વારાણસીઃ દેશભરમાં બેન્કો સાથે છેતરપિંડી અનેક ઘટનાઓ બની છે, પરંતુ ઉત્તર પ્રદેશના બલિયામાં બેન્કિંગ ક્ષેત્રે એક નવા પ્રકારની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. એક ભેજાબાજે લોકો પાસેથી રૂપિયા લઈને તેને ચાઉં કરી જવાના ઇરાદે એક આખી બેન્ક જ ઊભી કરી હતી. પરંતુ તે પોતાના કીમિયામાં સફળ થાય તે પહેલા જ ઝડપી લેવાયો છે. આ માણસે બલિયાના કેફના વિસ્તારના મુલાયમનગરમાં કર્ણાટક બેન્કની એક બનાવટી બ્રાન્ચ ખોલી હતી. બદાયુનો રહેવાસી અફાક અહેમદ એક મેનેજર તરીકે આ બ્રાન્ચ ખોલીને તેને ચલાવતો હતો. તેણે કદાચ ક્રિકેટર વિનોદ કાંબલીથી પ્રેરણા લઈને પોતાનું નામ વિનોદ કુમાર કાબલી રાખ્યું હતું. અહેમદ પાસે એક બનાવટી આધાર સાથે આ જ નામે અન્ય ઓળખ પત્ર હતા. તેના આઇડીમાં તે મુંબઈ વેસ્ટનો રહેવાસી હતો.
પોલીસનું કહેવું છે કે અહેમદે સ્થાનિક લોકોના ૧૫ સેવિંગ્સ એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ ખોલીને કુલ રૂ. ૧.૩૭ લાખ એકત્ર કરી લીધા હતા. પોલીસે ફોર્મ્સ, પાસબુક સહિત મોટાપાયે સ્ટેશનરી અને ત્રણ કોમ્પ્યુટર્સ, લેપટોપ, ફર્નિચર અને અન્ય આર્ટિકલ્સ સહિતની ચીજો કબજે કરી હતી.