ઉત્તર પ્રદેશમાં મથુરાના બાંકે બિહારી કોરિડોર માટે તૈયારી શરૂ

Sunday 22nd January 2023 05:32 EST
 
 

લખનૌ: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર જેવો મથુરાના બાંકે બિહારી મંદિરમાં કોરિડોર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરિડોરને લઈને સર્વેનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ સમગ્ર કોરિડોર પાંચ એકરમાં બનાવવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગત વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈ કોર્ટમાં મથુરાના બાંકે બિહારીમાં કોરિડોર બનાવવાની વાત કરી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કોરિડોર મંદિર અને યમુના નદીને જોડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોરિડોર માટે કાશી વિશ્વનાથ કોરિડોરની પ્રેરણા લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથમાં કોરિડોર મંદિર અને ગંગા નદીને જોડે છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બાંકે બિહારી મંદિરનો પ્રસ્તાવિત પ્લાન જાહે૨ ક૨વામાં આવ્યો છે તે મુજબ, કોરિડોરના મુખ્ય ત્રણ રસ્તા હશે, જેના દ્વારા મંદિર સુધી પહોંચી શકાશે. આ ઉપરાંત, આ સમગ્ર કોરિડોર બે માળનું બનાવવામાં આવશે.
મંદિરના પ્રસ્તાવિત પ્લાન મુજબ, પહેલો રસ્તો જુગલ ઘાટથી, બીજો રસ્તો વિદ્યાપીઠ ચાર રસ્તાથી જ્યારે ત્રીજો જાદોન પાર્કિંગથી બનાવવામાં આવશે. આ કોરિડોરની ખાસ વાત એ હશે કે, જેમ શ્રદ્ધાળુઓ આગળ વધશે તેમ તેમને મંદિરના દર્શન થવા લાગશે. આ કોરિડોરમાં પરિક્રમા માર્ગ પણ બનાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter