ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન થાય તો એનડીએને મુશ્કેલી

Friday 30th November 2018 01:30 EST
 
 

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓનું પરિણામ ૧૧ ડિસેમ્બરે આવશે. જ્યારે લોકસભાની ચૂંટણીઓને થોડા મહિના જ બાકી છે. તે પહેલાં ‘ટાઇમ્સ નાઉ’ અને ‘સીએનએક્સ’ ચેનલે ઉત્તર પ્રદેશમાં કરેલા સર્વેમાં જણાવ્યું છે કે હાલમાં ત્યાં લોકસભાની ચૂંટણીઓ યોજાય અને મહાગઠબંધન થાય તો ભાજપ નેતૃત્વના એનડીએને ૪૨ બેઠકોનો મોટો ફટકો પડે. જો પક્ષો સ્વતંત્ર ચૂંટણી લડે તો પણ તેને ૧૬ બેઠકોનું નુકસાન થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. ૨૦૧૪માં એનડીએ ૭૧ બેઠકો જીતી હતી. હવે જો સપા, બસપા, કોંગ્રેસ અને રાલોદનું ગઠબંધન થાય તો એનડીએને માત્ર ૨૯ બેઠકો જ મળી શકે. જ્યારે મહાગઠબંધન ૪૯ બેઠકો કબજે કરી શકે. કોંગ્રેસ વિનાનું ગઠબંધન થાય તો પણ એનડીએને ૪૩ અને ગઠબંધનને ૩૩ બેઠકો મળી શકે જ્યારે પક્ષો એકલા હાથે લડે તો એનડીએ ૫૫, બસપા ૯ અને કોંગ્રેસને પાંચ બેઠકો મળી શકે. સપાને ૪ બેઠકોનો ફાયદો થઈ શકે.

મોદી ૪૨ સામે રાહુલ ૨૦

આ રિપોર્ટમાં લોકોની પસંદગીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૪૨ ટકા અને રાહુલ ગાંધીને ૨૦ ટકા મળ્યા છે. માયાવતી-મમતા બેનર્જીને ૧૧-૧૧ લોકાનું સમર્થન મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter