ઉત્તર પ્રદેશમાં યોગી શા માટે ઉપયોગી, અને અખિલેશની ક્યાં ચૂક?

Wednesday 16th March 2022 05:42 EDT
 
 

ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે ત્યારે મતગણતરીના પ્રારંભમાં જ સમગ્ર રાજ્યની રાજકીય તસવીર સ્પષ્ટ થઇ ગઇ હતી. એક્ઝિટ પોલના અનુમાન પણ ઘણા હદ સુધી સાચા પડયા હતા. હવે પ્રશ્ન એક ઊઠે છે કે આખરે તમામ વિપરીત સંજોગો છતાં યોગી આદિત્યનાથ કઇ રીતે અખિલેશ યાદવ પર ભારે પડયા હતા. ઉત્તર પ્રદેશમાં છ મહિના પહેલાં એકતરફી મુકાબલો હતો. ચર્ચા હતી કે યોગી ફરી ચૂંટણી જીતી જશે, પરંતુ જોત-જોતામાં જ ચિત્ર બદલાઇ ગયું હતું. ચૂંટણી નજીક આવતા ભાજપ વિરુદ્ધ વાતાવરણ તૈયાર થઇ ગયું હતું.
એક બાદ એક યોગી સરકારના ત્રણ પ્રધાન સહિત 11 ધારાસભ્યો પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા અને અહીંથી સમાજવાદી પાર્ટીએ વાતાવરણ તૈયાર કર્યુ હતું. લોકો પણ કહેવા લાગ્યા હતા કે ભાજપની હાર થઇ શકે છે. પણ આખરે શા માટે યોગી અખિલેશને પછાડવામાં સફળ રહ્યા તે જાણવું રસપ્રદ રહેશે. યોગીની જીત અને અખિલેશની હારને આ રીતે સમજી શકાશે.
• કાયદો અને વ્યવસ્થાઃ યોગી લોકોને સમજાવવામાં સફળ થયા હતા કે કાયદો અને વ્યવસ્થા સારી રહેશે તો રાજ્યનો વિકાસ ઝડપથી થશે.
• મહિલાઓનું પૂર્ણ સમર્થનઃ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં મહિલા મતદાતાઓ ભાજપ માટે સૌથી મોટી શક્તિ બનીને સામે આવી છે. મુસ્લિમ મહિલાઓએ પણ ભાજપને મત આપ્યા છે.
• અનાજનું મફત વિતરણઃ કોરોનાકાળમાં સરકાર પ્રત્યેક ગરીબ સુધી મફત અનાજ ઉપલબ્ધ કરાવી રહી હતી. આનો ભાજપને ફાયદો મળ્યો.
• દલિત મતદાતા જોડાયાઃ લગભગ 70 ટકા દલિત મતદાતા બહુજન સમાજ પાર્ટીથી શિફ્ટ થઇને ભાજપ તરફ પહોંચી ગયા છે. સમાજવાદી પાર્ટી દલિત મતદાતાઓનો વિશ્વાસ જીતવામાં તેને સફળતા મળી નહોતી. તેનું કારણ છે કે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે દલિતો પર સૌથી વધુ અત્યાચાર થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter