મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક મંચ પર બિરાજમાન થઇને એકબીજાનાં વખાણ કરી રહ્યાં હતાં.
સ્થળ હતું મુલાયમ સિંહ યાદવનો ગઢ મૈનપુરી અને મંચ બસપાનો હતો. મુલાયમ માટે માયાવતી પોતે મત માગવા આવ્યાં હતાં. સ્ટેજ પર માયાવતીએ પહેલાં મુલાયમના બેસવાની રાહ જોઈ અને પછી પોતે બેઠાં.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૩માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બસપા-સપા સાથે મળીને લડ્યાં હતાં. તેમાં ગઠબંધનનો વિજય થયો અને મુલાયમ સિંહ મુખ્ય પ્રધાન બન્યા. બીજી જૂન ૧૯૯૫ના માયાવતી લખનઉના ગેસ્ટહાઉસમાં ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યાં હતાં ત્યારે સપા કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને માયાવતી પર હુમલાનો પ્રયાસ કર્યો. માયાવતીએ એક રૂમમાં પુરાઇ જઇને પોતાની જાતને હુમલાથી બચાવી હતી. બસ, ત્યારથી બન્ને પક્ષો એકમેકના કટ્ટર દુશ્મન બની ગયા હતા. મોકો મળ્યે બન્ને પક્ષો એકમેકને વખોડવાનો એકેય મોકો ચૂકતા નહોતા.