નવી દિલ્હી: સિક્કિમના ડોકા લામાં ભારત અને ચીની સેનાઓ સામસામો મોરચો માંડીને બેઠી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી તે પહેલાં ૨૫મીએ ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લાના બારાહોતીમાં ચીની સૈનિકો ભારતીય સીમામાં એક કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યાં હતાં. તેમણે પાછા જતાં પહેલાં આ વિસ્તારમાં બે કલાક વીતાવ્યાં હતાં. તેમણે આ વિસ્તારમાં ઢોર ચારી રહેલાં ગ્રામીણોને પણ આ વિસ્તારમાંથી ચાલ્યા જવા ધમકી આપી હતી. આ અગાઉના સપ્તાહમાં ૧૯મી જુલાઈએ પણ ચીની દળો સરહદનું ઉલ્લંઘન કરી ચમોલી જિલ્લામાં ઘૂસ્યા હતા અને શસ્ત્રો સાથે ડેરા-તંબુ નાંખ્યા હતા. બારાહોતીમાં સરવે માટે ગયેલા આઈટીબીપીના અધિકારી સહિત ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટની ટીમે પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોને ચીની વિસ્તારમાં પરત મોકલી આપ્યા હતા. ચીની સેનાએ દાવો કર્યો હતો કે આ પ્રદેશ અમારો છે. ૧૯મી જુલાઈના રોજ ચીની હેલિકોપ્ટરે હવાઈસીમાનું ઉલ્લંઘન કરી ઉત્તરાખંડમાં પ્રવેશ કર્યો હતો. પાંચ મિનિટ ઉડાન ભર્યા બાદ ચીની હેલિકોપ્ટર ચીની હવાઈસીમામાં પરત જતું રહ્યું હતું.