નૈનીતાલઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગઢવાલ અને કુમાઉંમાં ભારે વરસાદના પગલે ઓછામાં ઓછા ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે; સાથે જ અનેક ગુજરાતીઓ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડીઆઈજી રિદ્ધિમ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે નૈનિતાલ અને અલમોડામાં પાંચ-પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પૌડી-ગઢવાલમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત ચંપાવત અને પિથોરાગઢમાં પણ એક-એક મૃત્યુ નોંધાયા છે.
નૈનિતાલમાં ડિગ્રી કોલેજની દીવાલ ધસી પડી હતી, જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી હતી. ભારે વરસાદની સૌથી વધુ અસર નૈનિતાલને થઈ છે. સતત વરસી રહેલા વરસાદને પગલે બચાવ કામગીરી પ્રભાવિત થઈ છે. નૈનિતાલ, ચંપાવત, પિથોરાગઢ અને બાગેશ્વરમાં મંગળવારે સવારે પણ ભારે વરસાદ ચાલુ હતો.
ગુજરાતી યાત્રીઓ ફસાયા
ઉત્તરાખંડમાં કેદારનાથ સહિત વિવિધ સ્થળોએ ગુજરાતી યાત્રીઓ પણ ફસાયા હોવાના અહેવાલો છે. ઉત્તરાખંડમાં કેટલા ગુજરાતીઓ ફસાયા છે, એ અંગે ચોક્કસ આંકડો મળી શક્યો નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોન પર વાતચીત કરીને ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રીઓને સહાય કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્ય વરિષ્ઠ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું, ગુજરાતમાંથી લગભગ ૮૦થી ૧૦૦ લોકો ચારધામની યાત્રાએ ગયા છે. જેમાંથી છ બદ્રીનાથ-કેદારનાથમાં ફસાયા છે. હવામાન ખરાબ હોવાને કારણે ત્યાં હેલિકોપ્ટર પહોંચી શકે તેમ નથી એટલે અમે વાતાવરણ સારું થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. આ સિવાય ભૂસ્ખલનને કારણે કેટલાક લોકો જોશીમઠ ખાતે ફસાયા હોવાનું પણ ત્રિવેદીએ ઉમેર્યું હતું.
ગુજરાત સરકારે ફસાયેલા યાત્રીઓ સંપર્ક કરી શકે એ માટે ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કર્યું છે. દાદરા અને નગરહવેલીનાં અનુકૃતિ આર્ય પણ રામનગરના લેમન ટ્રી રિસોર્ટમાં ફસાયેલાં છે, દિલ્હીમાં રહેતાં તેમનાં બહેન તનુશ્રી ફોન પર રેસ્ક્યૂ ટીમ સાથે કો-ઓર્ડિનેટ કરી રહ્યાં છે. તેમણે એક વેબપોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘રિસોર્ટમાં પાણી ઓછું થયા બાદ ત્યાં ફસાયેલા અંદાજે ૨૫ લોકો જાતે જ બહાર આવી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી તેઓ રામનગર પહોંચી ગયા હતા.’ તેમણે એવું પણ જણાવ્યું હતું કે હવે તે લોકો એક બસ બુક કરીને પરત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીની સાથે ટેલિફોન પર વાત કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
પુલ ક્ષતિગ્રસ્ત
૨૪ કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે અને હવામાન ખાતાએ આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશ તથા પંજાબના અમુક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ કે હીમવર્ષા થઇ શકે છે. નૈનીતાલમાં ગૌલા નદી પર બનેલો એક રેલવે પુલ ક્ષતિગ્રસ્ત થયો છે, રાજ્યના કાઠગોદામ તથા નવી દિલ્હીને જોડતા રેલવે માર્ગને ભારે નુકસાન થયું છે, જેથી કરીને રેલવેવ્યવહાર ખોરવાઈ ગયો છે. ગૌલા નદી પર બનેલો પુલ તૂટી જવાથી હલદ્વાનીમાં અવરજવર અટકી ગઈ છે. ઉધમસિંહ નગર જિલ્લામાં આવેલા નાનકસાગર ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં જળસ્તર વધી ગયું હતું.
બીજી બાજુ, રામનગરમાં એક રિસોર્ટમાં અનેક લોકો ફસાઈ ગયા છે. રાજ્યના ડીજીપી અશોકકુમારે જણાવ્યું છે કે કોસી નદીનાં પાણી રિસોર્ટમાં ઘૂસી ગયાં છે. તમામ લોકો સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. રિદ્ધિમ અગ્રવાલ પ્રમાણે રિસોર્ટની ચારેય બાજુ પાણી ભરાઈ ગયાં છે, જેના પગલે ૩૦થી ૪૦ લોકો ફસાયા છે. નીચેના માળમાં પાણી ઘૂસી ગયું છે અને લોકો બીજા માળ પર છે. તેમનું કહેવું છે કે તંત્ર એ લોકોના સંપર્કમાં છે અને તમામ લોકો અત્યાર સુધી સુરક્ષિત છે.
પ્રભાવિત થયેલા વિસ્તારોનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું, ત્યારે તેમની સાથે કેબિનેટ પ્રધાન ધનસિંહ રાવત તથા રાજ્યના ડીજીપી અશોક કુમાર પણ સાથે હતા.
રાહત કામગીરી
રાજ્ય સરકાર બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ માગી હતી, જેના પગલે ત્રણ હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યા છે. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે એરફોર્સનાં બે હેલિકૉપ્ટર મંગળવારે સવારે પંતનગર પહોંચી ગયાં હતા, ત્યાંથી જિલ્લા તંત્રની સલાહ પ્રમાણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાઇ રહ્યા છે. કાર્યવાહીમાં એક ગામડામાંથી ૨૫ વ્યક્તિને બચાવવામાં સફળતા મળી હતી. અગ્રવાલ જણાવે છે કે નૈનીતાલ અને રામનગરના રિસોર્ટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી બહાર કાઢવાના પ્રયાસ જારી છે.