ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનને કોંગ્રેસે લોકશાહીની હત્યા ગણાવી

Monday 28th March 2016 09:41 EDT
 
 

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં પણ સત્તા પલટાના ભણકારા વાગી રહ્યા છે. અહીં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણનો નિર્ણય લેવાયો, બાદમાં અરુણ જેટલીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિ મુખરજીએ સ્વાકારી લીધી અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે અને વિધાનસભા વિખેરી દેવાઇ છે.

અગાઉ અરુણાચલ અને હવે ઉત્તરાખંડમાં પણ સત્તામાં ફેરફાર જોવા મળશે. હાલ તો રાષ્ટ્રપતિ શાસન લાદીને રાજ્યની સત્તા કેન્દ્રએ પોતાના હાથમાં લઇ લીધી છે.

બીજી તરફ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આક્ષેપ લગાવ્યો છે કે, હરિશ રાવતને વિશ્વાસમત હાંસલ કરવા માટે ૨૮મી માર્ચનો સમય અપાયો હતો એના એક દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. તેથી એ સ્પષ્ટ છે કે મોદી સરકારને ભય છે કે વિશ્વાસ મત મળી જશે. અમે આ નિર્ણયને કોર્ટમાં પડકારીશું અને રાષ્ટ્રપતિ શાસન હટાવવાની માગણી કરીશું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ શાસન લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસે લોકશાહીની હત્યા ગણાવી હતી.

રાવતના સ્ટિંગની સીડી અસલી હોવાનો ફોરેન્સિક અહેવાલ

ઉત્તરાખંડ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહીં કોંગ્રેસને રાષ્ટ્રપતિ શાસનનો તો ઝાટકો લાગ્યો જ છે અને હવે હરીશ રાવતનું સ્ટિંગ ઓપરેશન કરાયું છે એ વીડિયો સીડી પણ સાચી હોવાનો અહેવાલ આવ્યો છે.

આ સીડીમાં હરીશ રાવત ભ્રષ્ટાચારીઓ સાથે સોદાબાજી કરતા સ્પષ્ટપણે નજરે પડે છે. આ સીડીને ગૃહ મંત્રાલયે ફોરેન્સિક તપાસ માટે ચંદીગઢ મોકલી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ જણાવ્યું છે કે, આ સીડી સાથે કોઈ જ પ્રકારની છેડછાડ થઈ નથી. આ સીડીમાં દેખાનારી વ્યક્તિ નિર્વિવાદ રીતે હરીશ રાવત જ છે અને અવાજ પણ તેમનો જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter