ઉત્તરાખંડમાં ભાજપે સતત બીજી વાર સત્તા પ્રાપ્ત કરી છે. રાજ્યમાં સત્તા પર ફરી વાર કબજા માટે ચાર મુખ્ય કારણો છે. રાજકીય જાણકારોના અનુસાર પહેલું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઉત્તરાખંડના જનમાનસની લાગણી છે. આ ચૂંટણી દરમિયાન ઉત્તરાખંડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લહેર ભલે જોવા નથી મળી, પરંતુ પ્રચારથી માંડીને મતદાન દરમિયાન મોદી એક મોટું ફેક્ટર જરૂર રહ્યા છે. બીજું મહત્ત્વનું કારણ રાજ્યના પર્વતીય વિસ્તારમાં મહિલાઓ અને વૃદ્ધોનો મોદી પ્રત્યેનો સ્નેહ અને સન્માન મનાય છે.
જાણકારોના અનુસાર મહિલાઓ અને વૃદ્ધોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને મતદાન કર્યું છે. તો ત્રીજું કારણ કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકારે કરેલા વિકાસ સાથે જોડાયેલા કાર્યો છે. અને ચોથું કારણ રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીની સક્રિયતા મનાય છે. સત્તાનું સુકાન હાથમાં આવ્યા બાદથી પુષ્કરસિંહ ધામી શાંતિથી બેસી શક્યા નહોતા અને તેઓ સતત દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, મુખ્ય પ્રધાન ધામી સ્વયં ચૂંટણી હારી ગયા છે. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પર વિવિધ એજન્સીઓ અને ચેનલોના એક્ઝિટ પોલના અનુમાનોએ રાજ્યના લોકોને ચકરાવી દીધા હતા. હવે ઉત્તરાખંડમાં સીએમ કોણ બનશે તે જોવું રહ્યું.


