ઉદયપુરઃ સુપ્રસિદ્ધ પ્રવાસન નગરી ઉદયપુરમાં મંગળવારે હચમચાવી દેતી ઘટના બની છે. મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદન કરીને મુસ્લિમ સમાજનો રોષ વહોરી લેનારી નૂપુર શર્માનું સમર્થન કરનાર એક દરજી યુવાનનું ગળું રહેંસીને હત્યા કરી નંખાતા પ્રદેશમાં રોષનું મોજું ફરી વળ્યું છે.
રાજસ્થાન પોલીસે બર્બર હત્યાકાંડનો વીડિયો જોઇને બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીને ઝડપી તો લીધા છે, પરંતુ શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા હતા. શહેરમાં અશાંતિ સર્જાતા ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે અને એક મહિના માટે ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. ભારત સરકારે આ ઘટનાને આતંકી કૃત્ય ગણાવીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમને વિશેષ તપાસ માટે ઉદયપુર મોકલી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કન્હૈયાલાલ નામના દરજી યુવાને નૂપુર શર્માના વિવાદાસ્પદ બયાનનું સમર્થન કર્યું હતું તેના બન્ને મુસ્લિમ યુવાનો નારાજ હતા. હત્યારાઓ દરજીની દુકાનમાં ઘુસી ગયા હતા અને તેનું ગળું કાપી દીધું હતું. ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે દરજીની હત્યા બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
ધારદાર હથિયાર વડે કાપ્યું દરજીનું ગળું
આ બર્બરતાપૂર્ણ ઘટના માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં સર્જાઇ છે. દરજી પર ધારદાર હથિયાર વડે હુમલો કરાયો હતો. મૃતકે થોડા દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. હત્યાકાંડનો વીડિયો જોઇ પોલીસ તરત એક્શન મોડમાં આવી ગઇ હતી અને બન્ને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીને ઝબ્બે કરી લીધા હતા. આ બન્ને શકશો રાજસમંદ જિલ્લાના ભીમથી પકડાયા છે.
ઉદયપુર હિંસાને AIMIM વડા ઓવૈસીએ નિંદનીય ગણાવ્યું છે. ઓવૈસીએ ટ્વિટર પર લખ્યું કે આવી હત્યાને કોઇ ડિફેન્સ ન કરી શકે. કોઇને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો હક નથી. અમે હંમેશા હિંસાનો વિરોધ કર્યો છે.
ઉદયપુરમાં દુકાનદારની હત્યાના મામલે એડીજી લો એન્ડ ઓર્ડર હવાસિંહ ધુમરિયાએ કહ્યું કે ઘટના બાદ ઉદયપુરમાં તણાવની સ્થિતિ છે. જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એડીજી જંગી શ્રીનિવાસન રાવ અને દિનેશ એમએન પણ ઉદયપુર પહોંચ્યા છે. આરએસીની ટુકડીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. 600 પોલીસકર્મીઓનો વધારાનો જથ્થો ગોઠવી દેવામાં આવ્યો છે. થોડા સમય માટે કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
હત્યાના વિરોધમાં પ્રદર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે હત્યાની જાણકારી મળ્યા બાદ વિરોધમાં વેપારીઓને બજાર બંધ કરી દીધું. લોકલ લોકોએ પણ આ બર્બરતાપૂર્ણ ઘટનાનું વિરોધ પ્રદર્શન કર્યું. આ તણાવને જોતાં ઘટનાસ્થળે પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે.


