નવી દિલ્હીઃ ભારતી એન્ટરપ્રાઇઝીસના સ્થાપક અને ચેરમેન સુનિલ ભારતી મિત્તલને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવાની જાહેરાત કરાઇ છે. ફ્રાન્સ સરકાર મિત્તલને ‘શેવેલિયર દ લોર્ડ્ર નેશનલ દ લા લેજિયોન દ’ઓનર’થી સન્માનિત કરશે. તેમને આ સન્માન ટેલિકોમ્યુનિકેશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે તેમની સિદ્ધિઓ તેમજ ભારત-ફ્રાન્સ આર્થિક સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવામાં યોગદાન બદલ અપાયું છે.
નેપોલિયન બોનાપાર્ટે ઈસવી સન 1802માં સ્થાપેલું લેજિયોન દ’ઓનર ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન વિશિષ્ટ સિદ્ધિઓ અને યોગદાન આપનાર વ્યક્તિઓની સિદ્ધિને બિરદાવે છે. સુનિલ ભારતી મિત્તલને આ સન્માન મળવું તેમની ઉદ્યોગસાહસિક સફર અને ભારત-ફ્રાન્સ સંબંધોને આગળ ધપાવવામાં આપેલા યોગદાનની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હોવાનું દર્શાવે છે. મિત્તલે આ સન્માન બદલ ખુશી અને આનંદ વ્યક્ત કર્યા હતા. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો અને ભારત- ફ્રાન્સ આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ત્રણ દસકા કરતાં જૂનો સંબંધ
સુનિલ ભારતી મિત્તલ અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ ત્રણ દસકા કરતાં પણ વધુ જૂનો છે એમ કહીએ તો પણ ખોટું નથી. મિત્તલનો ફ્રાન્સ સાથેનો સંબંધ વર્ષ 1992થી શરૂ થયો હતો. તે સમયે એરટેલની શરૂઆતના તબક્કામાં ફ્રાન્સની કંપની Compagnie Generale des Eaux અને ભારતી વચ્ચે ભાગીદારી થઈ હતી. આ સહયોગ દ્વારા ભારતમાં મોબાઇલ ટેલિફોનની શરૂઆત કરવામાં આવી હતી. ફ્રાન્સના રાજદૂત થિયરી માથોએ જણાવ્યું હતું કે મિત્તલ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ફ્રાન્સના મિત્ર રહ્યા છે અને તેમણે દાયકાઓ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને સતત આગળ વધાર્યા છે. આ સંબંધ બંને દેશોના વ્યવસાયિક સહયોગની સંભાવનાઓને દર્શાવે છે.
દ્વિપક્ષીય સંબંધોની અવકાશી ઊંચાઇ
સુનિલ મિત્તલ હાલમાં યુરોપની સેટેલાઇટ કંપની Eutelsatમાં વાઇસ-ચેરમેન તરીકે ભૂમિકા નિભાવે છે. આ ભૂમિકા ભારત-ફ્રાન્સ વચ્ચે અવકાશ અને ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહેલા સહયોગ સાથે જોડાયેલી છે. ફ્રાન્સના રાજદૂત થિયરી માથોએ જણાવ્યું હતું કે બંને દેશો અવકાશ અને ડિજિટલ ટેક્નોલોજીમાં સંયુક્ત રીતે આગળ વધી રહ્યા છે. ફ્રાન્સના ભારતસ્થિત રાજદૂત થિયરી માથોએ સુનિલ ભારતી મિત્તલના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે મિત્તલે વર્ષોથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને પોષ્યા છે અને બંને દેશોના વ્યવસાયિક સહયોગથી શું હાંસલ કરી શકાય છે તે દર્શાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલું આ સન્માન એવા ઉદ્યોગપતિને માન્યતા આપે છે, જેમણે ભારતમાં ફ્રાન્સને લાંબા ગાળાના ભાગીદાર તરીકે સ્થાપિત કરવામાં યોગદાન આપ્યું છે.
અગાઉ પણ મળી ચૂક્યાં છે પ્રતિષ્ઠિત સન્માન
સુનિલ મિત્તલને આ પહેલાં પણ મહત્ત્વનાં સન્માન મળી ચૂક્યાં છે. વર્ષ 2007માં તેમને ભારત સરકારના પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા, જે દેશનાં ઉચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે. ત્યારબાદ વર્ષ 2024માં બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા તેમને KBE તરીકે જાણીતા નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર ખિતાબથી સન્માનિત કરાયા હતા. આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા. હવે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મહત્ત્વની માન્યતા મળી છે.


