નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે તાત્કાલિક અસરથી અમલી બને તે રીતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને સહુને ચોંકાવી દીધા છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તેઓ ડોક્ટર્સની સલાહ મુજબ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ઉપરાષ્ટ્રપતિપદેથી બંધારણની કલમ 67 (એ) હેઠળ તત્કાળ અસરથી રાજીનામું આપી રહ્યા છે. પત્રમાં તેમણે સહકાર બદલ રાષ્ટ્રપતિનો આભાર માન્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ધનખડે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિપદે કાર્યકાળ દરમિયાન તેમને વડાપ્રધાન મોદીનો અમૂલ્ય સહકાર મળ્યો છે અને આ કાર્યકાળમાં તેઓ ઘણું શીખ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તમામ સાંસદો પાસેથી તેમને જે વિશ્વાસ અને સ્નેહ મળ્યો તેને તેઓ સદાય યાદ રાખશે. આપણી મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવેલા અમૂલ્ય અનુભવો અને જ્ઞાન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનકારી સમયના સાક્ષી બનવું તેમના માટે સૌભાગ્ય અને સંતોષની બાબત રહી છે.
ધનખડે 2022માં 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 6 ઓગસ્ટ 2022ના રોજ થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 528 વિ. 182 મતથી હરાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં તેઓ પશ્ચિમ બંગાળના ગવર્નર હતા. નિયમાનુસાર નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 60 દિવસમાં થવી આવશ્યક છે.