એઆઇ ફોર ઓલઃ ભારતની એઆઇ ઇમ્પેક્ટ સમિટના ઘોષણાપત્રને 88 દેશોની મહોર

Wednesday 25th February 2026 05:49 EST
 
 

નવી દિલ્હીઃ ઇન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભારતને આ નવી ટેકનોલોજીના મુદ્દે વૈશ્વિક સર્વસંમતિ સાધવામાં મોટી સફળતા મળી છે. એઆઈ ઈમ્પેક્ટ સમિટના સમાપન પ્રસંગે રજૂ થયેલા નવી દિલ્હી ઘોષણાપત્ર પર વિશ્વના 88 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં અમેરિકા, ચીન, યુકે, રશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોનો પણ સમાવેશ થાય છે. સમિટમાં કુલ આશરે 118 દેશોએ ભાગ લીધો હતો. આ ઘોષણપત્રમાં ‘એઆઇ ફોર ઓલ’નું વિઝન છે અને તેનો માર્ગદર્શક સિદ્ધાંત ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ છે.
આ ઘોષણાપત્રમાં એઆઈ માટે સહકાર, વિશ્વાસ અને કાર્યક્ષમતા પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેમાં સમાનતા, સુલતા અને વૈશ્વિક સહકારની હાકલ કરાઈ છે. ઘોષણપત્રમાં જણાવાયું છે કે આ નવી ટેકનોલોજીના લાભતમામને મળવા જોઈએ. તેમાં એઆઈ માળખા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વના આદરની હાકલ કરાઈ છે. આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એઆઈ માટેના માનવકેન્દ્રીય વિઝનને સમગ્ર વિશ્વે સ્વીકાર્યું છે. એઆઇની સુવિધા, સર્વિસ અને ટેકનોલોજી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે એઆઈના સંશાધનોના લોક્તાંત્રિકરણ કરવાની જરૂરિયાતને તમામે સ્વીકારી છે.
આ ઘોષણપત્ર સાત સ્તંભો (ચક્ર) પર આધારિત છે, જેમાં AI સંસાધનોનું લોકશાહીકરણ, આર્થિક વિકાસ અને સામાજિક ભલાઈ, સુરક્ષિત અને વિશ્વસનીય એઆઈ, સામાજિક સશક્તિકરણ માટે સુલભતા, માનવ વિકાસ અને મજબૂત કાર્યક્ષમ, ઈનોવેટિવ એઆઈ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
250 બિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા
AI ઇમ્પેક્ટ સમિટમાં એઆઇના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 250 બિલિયન ડોલરથી વધુના રોકાણની પ્રતિબદ્ધતા હાંસલ કરવામાં સફળતા મળી હતી. એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસ કરીને ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, હાઇ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમીટમાં 20 બિલિયન ડોલરના વેન્ચર કેપિટલ (વીસી) અને ડીપ ટેકનોલોજી રોકાણની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું હતું કે આ સમિટ નવા એઆઇ યુગમાં ભારતની ભૂમિકામાં વિશ્વના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
ભારતે પેક્સ સિલિકા પર હસ્તાક્ષર કર્યા
ભારત દ્વારા અમેરિકાનાં નેતૃત્વવાળા ગઠબંધન ટેક્સ સિલિકામાં સામેલ થવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત હવે એઆઇ તેમજ ટેકનોલોજીની સુરક્ષા માટે અમેરિકા તેમજ અન્ય સહયોગી દેશો સાથે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. જેને કારણે ટેકનોલોજી, વેપાર અને રાષ્ટ્રીય સુરક્ષાને ફાયદો થશે. પેક્સ સિલિકા નામનાં ગઠબંધનને AI તેમજ સપ્લાય ચેનની સુરક્ષા મજબૂત કરવા રચવામાં આવ્યું છે. ભારત હસ્તાક્ષર પછી ટ્રેમ્પ સરકારનાં પ્રધાન જેકલ હેલબર્ગે કહ્યું કે પેક્સ સિલિકા એવી જાહેરાત છે કે જે નિર્માણ કરે છે તેનું જ ભવિષ્ય છે અને તેમાં સ્વતંત્ર લોકો જ જોડાય છે. એઆઇિ એ ભવિષ્યની સૌથી મોટી તાકાત છે અને સુરક્ષિત સપ્લાય ચેન કોઈપણ દેશની આર્થિક તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે.
એઆઇ સસ્તું કરીશુંઃ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સમિટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે જિયોએ દેશમાં ડેટા સસ્તો કર્યો, એ જ રીતે એઆઈને પણ સામાન્ય ભારતીય સુધી પહોંચાડીશું. જિયો ઇન્ટરનેટ યુગ બાદ દેશને ઈંટેલિજન્સ યુગ સાથે પણ જોડીશું. તેમણે 7 વર્ષમાં એઆઇના ક્ષેત્રમાં રૂ. 10 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ અંતર્ગત જામનગરમાં ડેટા સેન્ટરનું નિર્માણ સામેલ છે. 2026ના અંત સુધી 120 મેગાવોટ ક્ષમતા શરૂ કરવાનું લક્ષ્ય છે. અંબાણીએ કહ્યું કે જિયો પોતાના નેટવર્ક મારફતે દેશભરમાં એવી કમ્પ્યુટ ક્ષમતા ઉપલબ્ધ કરાવશે, જેનાથી એઆઇ સેવાઓ ઓછા ખર્ચે તેમજ તેજ ગતિથી લોકો, દુકાનો, સ્કૂલો, હોસ્પિટલ અને ખેડૂતો સુધી પહોંચી શકે. એઆઇથી જોડાયેલી ચિંતાઓ પર તેમણે કહ્યું કે તે નોકરી નહીં છીનવે, પરંતુ ઉચ્ચ કૌશલ્ય વાળા નવા અવસરોનું સર્જન કરશે.
ગૂગલ 4 સબ સી કેબલ નાંખશેઃ પિચાઇ
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે ભારતમાં પરિવર્તનની ઝડપ તેમને દરેક વખતે આશ્ચર્યચકિત કરે છે. તેમણે પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતા કહ્યું કે તેઓ ચેન્નાઇથી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનથી ખડગપુર જતા હતા અને રસ્તામાં વિશાખાપટ્ટનમ આવતું હતું જે ત્યારે એક શાંત શહેર હતું.
હવે એ જ શહેરમાં ગૂગલ 1.36 લાખ કરોડ રૂપિયાના રોકાણ મારફતે ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. પિચાઈએ જાહેરાત કરી છે કે ગૂગલ ભારત અને અમેરિકા વચ્ચે ચાર નવા સબ સી ફાઇબર ઓપ્ટિક કેબલ સિસ્ટમ બનાવશે.
ટેકનોલોજી દિગ્ગજો સહિત 5 લાખ વિઝિટર
વૈષ્ણવે કહ્યું હતું કે સમિટમાં ભાગ લેનારાઓની સંખ્યા પાંચ લાખથી વધુ રહી હતી, જે એઆઇના વિકાસ માટેની ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત સ્થાનિક અને વૈશ્વિક સમર્થન દર્શાવ છે. આ સમિટમાં વૈશ્વિક નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી દિગ્ગજો સામેલ થયા હતાં. આમ એઆઇના નિયમો અને ઇન્ફ્રાના વિકાસમાં ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઊભર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter