એએસઆઇનો રિપોર્ટ બન્યો ચુકાદાનો આધાર

Friday 15th November 2019 15:12 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઈ)ના રિપોર્ટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસ કર્યા બાદ તૈયાર થયેલા આ રિપોર્ટમાં જણાવાયું હતું કે મસ્જિદની દીવાલો પર મંદિરના ૧૪ સ્તંભ હતા. આ ઉપરાંત ખોદકામમાં મળેલા ૨૬૩ અવશેષો પણ અયોધ્યામાં આ સ્થળે મંદિર હોવાનું પુરવાર કરે છે. એએસઆઇના પૂર્વ રિજનલ ડિરેક્ટર કે. કે. મોહમ્મદે કોર્ટને આ રિપોર્ટ સોંપ્યો હતો.
મોહમ્મદ કહે છે કે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો જ છે, જેવો અમે ઇચ્છતા હતા. અલ્લાહાબાદ હાઈ કોર્ટે પણ સાક્ષીઓને સાંભળીને ચુકાદો આપ્યો હતો. પુરાતત્વિક અને ઐતિહાસિક પુરાવાના આધારે અમે કહ્યું હતું કે અયોધ્યામાં મસ્જિદ પહેલાં મંદિર હતું. આ મુદ્દે કેટલાક લોકોએ મને ના કહેવા જેવું કહ્યું હતું અને ધમકીઓ પણ આપી હતી. હવે સુપ્રીમના ચુકાદાથી હું મારી જાતને દોષમુક્ત મહેસૂસ કરું છું.
તેઓ કહે છે કે ‘મને ૧૯૭૬-૭૭માં અયોધ્યાનું પુરાતત્વીય અધ્યયન કરવાની તક મળી હતી. ત્યારે ઉત્ખનનમાં મંદિરમાં સ્તંભો નીચે ઈંટોનો આધાર મળ્યો હતો. ત્યારે કોઈએ તેને મુશ્કેલીના રૂપમાં ન જોયું. બાદમાં હું ત્યાં પહોંચ્યો તો મેં મસ્જિદની દીવાલોમાં મંદિરના સ્તંભ જોયા. સ્તંભના નીચલા ભાગમાં ૧૧મી અને ૧૨મી સદીનાં મંદિરોમાં જોવા મળતા હતા, એવા પૂર્ણ કળશ બનાવાયા હતા. મંદિર સ્થાપત્ય કળામાં કળશ આઠ ઐશ્વર્ય ચિહ્નોમાંના એક છે. મસ્જિદને નુકસાન પહોંચાડાયું એ પહેલાં અમે આ પ્રકારના ૧૪ સ્તંભ જોયા હતા. આ મસ્જિદ બાબરના સેનાનાયક મીર બાકીએ તોડેલા અથવા એ પહેલાં તોડેલા મંદિરના અવશેષોનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવી હતી.
મોહમ્મદે કહ્યું હતું કે ‘પહેલાં જે પથ્થરોથી નિર્મિત સ્તંભની વાત હતી, એવા જ સ્તંભ અને તેની નીચે મસ્જિદની બાજુમાં અને પાછળ, ઈંટોનો ચબુતરો મળ્યો હતો. આ પુરાવાના આધારે મેં કહ્યું હતું કે મસ્જિદની નીચે મંદિર હતું. ખોદકામ નિષ્પક્ષ રીતે કરવા માટે મેં ૧૩૭ મજૂર રાખ્યા હતા, તેમાં ૫૨ મુસ્લિમ હતા. ખોદકામમાં મળેલા ૨૬૩ અવશેષોના આધારે અયોધ્યામાં મસ્જિદ પહેલાં મંદિર હોવાની પુષ્ટિ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter