એક રાષ્ટ્ર, એક ચૂંટણીઃ રાજકીય પક્ષો એક ન થયા!

Friday 28th June 2019 06:05 EDT
 
 

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં એક સાથે એક જ સમયે ચૂંટણી યોજવાનું સરકારનું સુચન છે, જોકે આ માટે દરેક રાજકીય પક્ષોને સાથે રાખવા પણ એટલા જ જરૂરી છે. એક દેશ, એક ચૂંટણીના મુદ્દા પર ચર્ચા કરવા માટે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જોકે આ બેઠકનો ૧૪થી વધુ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. બેઠકમાં મોટા ભાગે શાસક મોરચા એનડીએના સાથી પક્ષો જ હાજર રહ્યા હતા.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણીની નીતિનો અમલ કરવો શક્ય છે કે કેમ અને જો અમલ થઇ શકે તેમ હોય તો તે કેવી રીતે કરી શકાય તે મુદ્દે તપાસ કરવા માટે એક કમિટી રચવાની પણ જાહેરાત કરી હતી.
આ કમિટી અંગે જાણકારી આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે મોટા ભાગના પક્ષો એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપી રહ્યા છે. જોકે કેટલાક પક્ષો આ વિચારનો અમલ કેવી રીતે કરવો તેને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે. જેમ કે, સીપીઆઇએમ, સીપીએમ વગેરે આ વિચારને નકારી નથી રહ્યા, પરંતુ તેમને આ આયોજનના અમલીકરણ અંગે શંકા છે.
બીજી તરફ, વડા પ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં દરેક પક્ષોને ખાતરી આપી હતી કે એક દેશ, એક ચૂંટણીના અમલ સંદર્ભે જે કોઇ પણ સવાલો ઉઠી રહ્યા છે તેનું નિવારણ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અમે આશરે ૪૦ જેટલા રાજકીય પક્ષોના વડાઓેને આમંત્રણ આપ્યું હતું, જેમાંથી ૨૧ પક્ષો હાજર રહ્યા હતા.
જોકે એવા અહેવાલો છે કે જે પક્ષો હાજર રહ્યા હતા તેમાંથી મોટા ભાગના સાથી પક્ષો જ હતા. મોટા વિપક્ષોમાંથી કોઇએ રસ નહોતો લીધો અને આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. એક સમયના એનડીએના સાથી પક્ષ એઆઇએડીએમકેએ પણ બેઠકથી પોતાને દુર રાખ્યો હતો. એક અહેવાલ એવો પણ છે કે ડાબેરી પક્ષોએ સરકારના આ વિચારનો વિરોધ કર્યો છે. સીપીઆઇએમના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે આ વિચાર જ ગેરબંધારણીય છે.
જે મોટા પક્ષોના વડાઓ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા તેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બસપા વડા માયાવતી, ટીએમસીના મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ડીએમકેના એમ. કે. સ્ટાલિન, ટીઆરએસના કે. ચંદ્રશેખર રાવ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, ‘આપ’ના અરવિંદ કેજરીવાલ, એઆઇએડીએમકેના વડા વગેરેનો સમાવેશ થાય છે. આમ ભાજપના જ બે સાથી પક્ષો શિવસેના અને એઆઇએડીએમકેના વડા હાજર રહ્યા નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter