એક વર્ષ સોનું ખરીદવાનું ટાળો, પેટ્રોલ-ડીઝલ બચાવોઃ મોદીની અપીલ

અમેરિકા-ઇરાન યુદ્ધનો તાપ ભારત પહોંચ્યો

Wednesday 13th May 2026 06:33 EDT
 
 

હૈદરાબાદઃ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ખેલાઇ રહેલા જંગની આડઅસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધના કારણે ઈંધણ પુરવઠા પર પડી રહેલી અસર અંગે ચિંતા વ્યક્ત કરતાં કોરોના કાળ પછીનો સૌથી કપરો સમય ગણાવ્યો છે. તેમણે લોકોને એક જ અઠવાડિયામાં બે વખત અપીલ કરી છે કે બિનજરૂરી પરિવહન ટાળીને પેટ્રોલ-ડીઝલની બચત કરો, વર્ક ફ્રોમ હોમ અપનાવો અને એક વર્ષ સોનું ખરીદવાનું ટાળો. આનાથી દેશના મહામૂલા વિદેશી હૂંડિયામણની ભારે બચત થશે.
તેલંગણમાં 9,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના શિલાન્યાસ બાદ તેમણે જણાવ્યું હતું કે, અત્યારે પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવા પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ માત્ર જરૂરિયાત મુજબ જ કરો. તેનાથી વિદેશી મુદ્રા બચશે અને યુદ્ધની અસર ઘટાડવામાં પણ મદદ મળશે. મોદીએ કહ્યું કે છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં આટલું મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. તેની ભારત પર ગંભીર અસર થઈ છે. આપણી પાસે ખનિજ તેલના મોટા કૂવા નથી. તેથી હવે દેશને સર્વોપરી રાખીને આપણે એક થઈને લડવું પડશે. આથી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરકસરથી કરો. જ્યાં મેટ્રો ટ્રેન હોય ત્યાં તેનાથી જ મુસાફરી કરો. કાર પુલિંગ કરો. સામાન મોકલવા માટે રેલવે ગુડ્સ સર્વિસનો ઉપયોગ કરો. કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગની આજે ફરી જરૂર છે. આ ઉપરાંત એક વર્ષ માટે વિદેશમાં લગ્ન કરવા કે રજાઓ મનાવવા ન જાવ. તેમણે કહ્યું હતું કે દેશહિતમાં આપણે નક્કી કરવું પડશે કે વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ કારણ કે આવું કરવાથી વિદેશી મુદ્રા બચશે. (ખરેખર તો ભારત 99 ટકા સોનું ડોલર ખર્ચીને બીજા દેશોમાંથી મગાવે છે, ડોલર મોંઘો થવાથી આ ખર્ચ વધી જાય છે). આ ઉપરાંત વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે દરેક પરિવારે ખોરાકમાં તેલનું પ્રમાણ ઘટાડવું જોઇએ, આમ કરવાથી શરીર પણ સ્વસ્થ રહેશે અને દેશ પર બોજ પણ નહીં વધે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter