એકસાથે ૨૯ ઉપગ્રહનું લોન્ચિંગ કરતું ‘ઇસરો’

Wednesday 03rd April 2019 07:56 EDT
 
 

શ્રીહરિકાટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ સોમવારે આંધ્રનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી સવારે બરાબર ૯.૨૭ કલાકે પીએસએલવી રોકેટને ભારતનાં ડિફેન્સ સેટેલાઇટ સહિત ૨૯ ઉપગ્રહો સાથે અવકાશમાં મોકલ્યું હતું. ‘ઇસરો’એ આ ૨૯ ઉપગ્રહોને પહેલીવાર ત્રણ જુદી જુદી ભ્રમણકક્ષામાં તરતા મૂકીને એક નવો જ ઇતિહાસ રચ્યો છે. રોકેટે લોન્ચ કરેલા ૨૯ ઉપગ્રહોમાં ભારતના ડિફેન્સ સેટેલાઇટ EMISAT, અમેરિકાના ૨૪, લિથુઆનિયાના બે અને સ્પેન તથા સ્વિટ્ઝરલેન્ડના એક-એક ઉપગ્રહનો સમાવેશ થાય છે.
 જે પાકિસ્તાન, ચીન સહિતના દેશોની લશ્કરી હિલચાલ પર બાજ નજર રાખશે. ‘ઇસરો’નું આ એવું પહેલું લોન્ચિંગ છે કે જેમાં આમ જનતાએ પબ્લિક ગેલેરીમાં બેસીને રોકેટ લોન્ચિંગ લાઇવ નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલાં જ ‘ઈસરો’એ અવકાશમાં ફરતા ઉપગ્રહને તોડી પાડતી એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કર્યું હતું.

પ્રોજેક્ટ કૌટિલ્ય: અવકાશમાં ભારતની આંખ

પ્રોજેક્ટ કૌટિલ્યના ભાગરૂપે તૈયાર થયેલો ભારતનો ડિફેન્સ સેટેલાઇટ ‘એમિસેટ’ (EMISAT) અવકાશમાં ભારતની આંખ અને કાન પુરવાર થશે. આ સેટેલાઇટને ‘ઈસરો’ તેમજ ડીઆરડીઓ દ્વારા બનાવાયો છે. દેશની સુરક્ષા માટે ઘણો મહત્ત્વના આ ઉપગ્રહનો હેતુ બોર્ડર પર ઇલેક્ટ્રોનિક્સ અને માનવીય હિલચાલ પર નજર રાખવાનો છે. ‘એમિસેટ’ દુશ્મનનાં રડારની માહિતી પણ આપશે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રો-મેગ્નેટિક સ્પેક્ટ્રમ માપવા માટે પણ કરાશે, જે દુશ્મનોનાં રડાર પર નજર રાખીને તેનું લોકેશન જાણી શકશે. એમિસેટનું વજન ૪૩૬ કિલોગ્રામ જ્યારે બાકીના ૨૮ નેનો ઉપગ્રહોનું વજન ૨૨૦ કિલો હતું. ભારતીય ઉપગ્રહ બોર્ડર પર રડાર અને સેન્સર પર નજર રાખશે તેમજ મનવીઓ અને સંદેશાવ્યવહારની સિસ્ટમ પર દેખરેખ રાખશે. ભારતની સુરક્ષા એજન્સીઓ તેનો ઉપયોગ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter