એકસાથે ૩૧ સેટેલાઈટઃ ‘ઈસરો’ની વધુ એક સિદ્ધિ

Wednesday 05th December 2018 06:34 EST
 
 

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ)ઃ ભારતના અવકાશ સંસ્થાન ‘ઈસરો’એ તેની સાફલ્યગાથામાં વધુ એક છોગું ઉમેર્યું છે. ‘ઈસરો’ ૨૯ નવેમ્બરે આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી સવારે ૯.૫૮ કલાકે એક સાથે ૩૧ સેટેલાઇટને અવકાશમાં તરતા મુકીને વધુ એક સિદ્ધિ નોંધાવી હતી. આ સ્પેસ મિશન દરમિયાન પીએસએલવી-સી-૪૩ રોકેટ વડે દેશમાં જ બનાવવામાં આવેલો શક્તિશાળી હાઈપર સ્પેકટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HysIS) એટલે કે ‘છોટા ભીમ’ને ભ્રમણકક્ષામાં તરતો મુકાયો હતો.
ભારતીય સેટેલાઇટની સાથે સાથે આઠ દેશનાં ૩૦ વિદેશી સેટેલાઇટને પણ અવકાશમાં છોડવામાં આવ્યા હતા. જેમાં ૨૩ અમેરિકાનાં છે. આ ઉપરાંત ૧ માઇક્રો સેટેલાઇટ તેમજ ૨૯ નેનો સેટેલાઇટનો સમાવેશ થાય છે. ‘ઈસરો’એ છેલ્લા બે વર્ષમાં ચોથી વખત ૩૦થી વધુ ઉપગ્રહો એકસાથે છોડયા છે. તેણે જાન્યુઆરી ૨૦૧૭માં ૧૦૪ ઉપગ્રહો એકસાથે છોડીને રેકોર્ડ સર્જ્યો હતો.

પીએસએલવી રોકેટની આ છઠ્ઠી ઉડાન હતી. ઉપગ્રહોને પૃથ્વીથી ૬૩૬ કિ.મી. ઉપર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે. પીએસએલવી રોકેટ દ્વારા ભારતનો એક અને આઠ દેશનાં ૩૦ ઉપગ્રહો મળીને કુલ ૩૧ ઉપગ્રહો અવકાશમાં છોડાયા છે. જેમાં અમેરિકાનાં ૨૩ તેમજ ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનનાં એક- એક સેટેલાઈટનો સમાવેશ થાય છે.

‘HysIS’ની વિશેષતા

• HysIS એ રેર ઉપગ્રહ છે, જે સુપર શાર્પ દૃષ્ટિ ધરાવતા કેમેરાથી સજ્જ છે. તેને દેશમાં જ આધુનિક ટેકનિકથી બન્યો છે. • HysISએ અર્થ મોનિટરિંગ સેટેલાઈટ છે જે પ્રદુષણ, માટી અને જમીન તેમજ પાણીની સપાટી અંગેની વિગતો એકઠી કરશે. • આ સેટેલાઈટની મદદથી કૃષિ, જિયોલોજી, કોસ્ટલ ઝોન સ્ટડી અને ઈનલેન્ડ વોટરની માહિતી મેળવાશે. • HysISને ૨૩૦ ટન વજનનાં પીએસએલવી રોકેટની મદદથી અવકાશમાં તરતો મૂકાયો છે. • આ ઉપગ્રહ ૪૪.૪ મીટર લાંબો છે. • HysISનું વજન ૩૮૦ કિલો છે જ્યારે અન્ય ઉપગ્રહોનું વજન ૨૬૧.૫ કિલો હતું. • આ ઉપગ્રહથી પૃથ્વીની સપાટીનું પરિક્ષણ કરી શકાશે. • સેટેલાઈટ હાઈપર સ્પેકટ્રલ અને હાઈપેક્સ ઈમેજિંગ સિસ્ટમ ધરાવે છે અને શક્તિશાળી ડિજિટલ ઈમેજિંગ તેમજ સ્પેક્ટ્રોસ્કોપીથી સજ્જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter