એન. ડી. તિવારીના પુત્ર રોહિતની તેની જ પત્ની દ્વારા હત્યા!

Thursday 25th April 2019 06:50 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે પૂછપરછમાં અપૂર્વાએ રોહિતની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી છે. રોહિતના માતા ઉજ્વલા તિવારીએ કહ્યું હતું કે, પ્રેમલગ્ન પછી પુત્ર અને પુત્રવધૂના સંબંધોમાં તણાવ હતો. અપૂર્વા કુટુંબની સંપત્તિ પર કબજો કરવા માગતી હતી. ૧૬ એપ્રિલના રોજ રોહિતનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રુંધાવાથી રોહિતનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી હતી. ૨૪મીએ દિલ્હીની સાકેત અદાલતમાં અપૂર્વાના બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

મોઢું દબાવીને હત્યા

અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે કામ કરે છે. ક્રાઇમ બ્રાંચનું માનવું છે કે રોહિત શેખર ઉર્ફે તિવારી સાથેના લગ્નજીવનમાં અપૂર્વા શુક્લ (તિવારી) ખુશ નહોતી. તેને પગલે અપૂર્વાએ એકલે હાથે રોહિતનું ગળું અને મોઢું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. હત્યામાં અન્ય કોઇ સામેલ નહોતું. રોહિત અને અપૂર્વા વચ્ચે પ્રથમ મુલાકાત મેટ્રીમોનિયલ સાઇટની મદદથી થઇ હતી. તે પછી ૨૦૧૭માં બંને લખનઉમાં મળ્યા હતા અને પ્રેમ થઇ ગયો હતો. ૧૧મેના રોજ દિલ્હીમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter