એનડીએથી બહાર જવું સરળ નથી: ઉદ્ધવ

Friday 12th December 2014 07:46 EST
 
 

શિવસેના પ્રમુખે સોમવારે કહ્યું હતું કે, કેન્દ્રિય કેબિનેટમાં તેમના એકમાત્ર પ્રધાન અનંત ગીતે રાજીનામું આપશે. જોકે, તેમનું એ પણ કહેવું હતું કે, રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધનથી દૂર જવું સરળ નથી.
 તેમણે કહ્યું કે, ‘એનડીએમાં સામેલ થવું અને ફરી તેનાથી બહાર નીકળવું સરળ નથી. જે સાંસદો ચૂંટાયા છે અને જે જીતી નથી શક્યા તે બધાને શિવસેના અને ભાજપ બંનેના મત મળ્યા છે, આ જનાદેશ છે. વડા પ્રધાન મોદીની સાથે વાતચીત અને અમારા સમર્થકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે. મહારાષ્ટ્રમાં ગઠબંધન તૂટવા છતાં કેન્દ્રમાં સત્તાથી ચીપકી રહેવાને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના સતત પ્રહારો ઝીલી રહેલી શિવસેનાએ સોમવારે કહ્યું હતું કે, મોદી અમેરિકાથી પાછા આવ્યા તે પછી ગીતે પોતાનું રાજીનામું આપશે.

RPI ભાજપ સાથે જ રહેશે
શિવસેના-ભાજપ મહાયુતિમાં ભંગાણ બાદ અન્ય ત્રણેય ઘટક પક્ષોએ ભાજપ સાથે રહેશે. જેમાં રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)ને કેન્દ્રીય પ્રધાન પદનું આશ્વાસન શિવસેનાએ આપતા તેણે શિવસેના સાથે જોડાવાનું નક્કી કર્યુ હતું. પણ ગંભીર વિચાર બાદ પક્ષના નેતા રામદાસ આઠવલેએ ફરી ભાજપ સાથે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. જો કે ભાજપે પણ આઠવલેને કેન્દ્રીય પ્રધાન પદ સાથે જીતી શકે એવી બેઠકો આપવાનું વચન લેખિત કરારમાં આપતા આઠવલેના પક્ષમાં ખુશી વ્યાપી છે.
રામદાસ આઠવલેને ભાજપના ક્વોટામાંથી રાજ્યસભામાં સાંસદ બનાવાયા છે, હવે તેમણે કેન્દ્રમાં પ્રધાનપદની માગણી કરતાં કેટલાક સમય માટે ભાજપે તેમની સાથે ચર્ચા ટાળી હતી. અમિત શાહે આરપીઆઇના નેતાઓ સાથે ચર્ચા કરી તેમને વચનો આપતા આરપીઆઇએ સત્તાવાર રીતે ભાજપ સાથે રહેવાની જાહેરાત કરી હતી.

૨૪ કલાકમાં જ સમાજવાદી પાર્ટી - કોંગ્રેસના છૂટાછેડા થયા
ધર્મનિરપેક્ષ મતનું વિભાજન ટાળવા માટે રાષ્ટ્રવાદી પક્ષ સાથેના ૧૫ વર્ષ જુના સંબંધોનો અંત આણીને કોંગ્રેસે અબુ આઝમીના સમાજવાદી પક્ષ સાથે ગત સપ્તાહે ગઠબંધનની જાહેરાત કરી હતી અને બીજા દિવસે માગણી મુજબની બેઠકો ન મળતાં સમાજવાદી પક્ષે કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ૨૪ કલાકમાં અન્ય પક્ષ સાથે કોંગ્રેસનું ગઠબંધન થતાં થતાં રહી ગયું. સમાજવાદીએ આઠ બેઠકોની માગણી કરી હતી જે આપવાની કોંગ્રેસે મનાઇ ફરમાવતાં બંને પક્ષે સ્વબળે લડવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter