એન્કર અને એક્ટર તબસ્સુમનું કાર્ડિઆક એરેસ્ટથી નિધન

Thursday 24th November 2022 07:09 EST
 
 

મુંબઈ: જાણીતાં અભિનેત્રી અને એન્કર તબસ્સુમનું 78 વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી નિધન થયું છે. તેમના અવસાનને કારણે સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. ‘ફૂલ ખીલેં હૈં ગુલશન ગુલશન’ શોથી જાણીતાં તબસ્સુમે માત્ર ત્રણ વર્ષની વયે હિંદી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ શર્યું કર્યું હતું અને ‘બેબી તબસ્સુમ’ની ઓળખ આજીવન તેમની સાથે જોડાયેલી રહી હતી.
તબસ્સુમના પુત્ર હોષાંગ ગોવિલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સારી રહેતી ન હતી આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. 18 નવેમ્બરે મોડી સાંજે તેમને હૃદયરોગના ઉપરાછાપરી બે હુમલા આવ્યા હતા અને રાતે તેમનું નિધન થયું હતું.
1944માં જન્મેલાં તબસ્સુમે 1947માં એટલે કે ત્રણ જ વર્ષની વયે બાળ કલાકાર તરીકે પર્દાપર્ણ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ 'નરગિસ' હતી. તે પછી ‘મેરા સુહાગ’, ‘મઝદાર’, ‘બડી બહેન’, ‘દીદાર’ સહિતની ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. ‘બૈજૂ બાવરા’માં તેમણે મીનાકુમારીની બાળપણની ભૂમિકા ભજવી હતી. ‘મુઘલ એ આઝમ’ ફિલ્મમાં પણ તેમણે ભૂમિકા ભજવી હતી. તે પછી તેઓ વર્ષો સુધી ચરિત્ર અભિનેત્રી તરીકે ફિલ્મોમાં દેખાતાં રહેતાં હતાં.
1972માં દૂરદર્શન પર તેમનો શો ‘ફૂલ ખિલેં હૈં ગુલશન ગુલશન’ શરુ થયો હતો. 1993 સુધી ચાલેલા આ શોએ ભારે લોકપ્રિયતા મેળવી હતી અને તેના લીધી તબસ્સુમ ઘરેઘરનું જાણીતું નામ બની ગયાં હતાં. જાણીતા ટીવી કલાકાર અરુણ ગોવિલના ભાઈ વિજય ગોવિલ સાથે તેમનાં લગ્ન થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter