મુંબઈઃ ચર્ચાસ્પદ એન્ટિલિયા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ધરપકડ કરાયેલા એએસઆઇ સચિન વાઝેને હવે મુંબઈ પોલીસ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના પીઆરઓએ જણાવ્યું હતું કે સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ સીપીના આદેશ દ્વારા પોલીસ અધિકારી વાઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વાઝે સામે મજબૂત કેસ
આ કેસની સાથે સાથે જ એનઆઇએ દ્વારા ગુજરાતી વેપારી મનસુખ હીરેનની રહસ્યમય હત્યા અંગે પણ તપાસ શરૂ કરી છે. આ મામલે પણ વાઝે શંકાના ઘેરામાં છે. મનસુખની પત્નીએ આક્ષેપ કર્યો છે કે વાઝેએ જ મનસુખની હત્યા કરી નાંખી છે. ઉલ્લેખનીય છે કે મનસુખે જે કાર ચોરાઇ હોવાની પોલીસ ફરિયાદ કરી હતી તે કાર મુકેશ અંબાણીના ઘર બહારથી વિસ્ફોટકો સાથે મળી હતી. આ કેસમાં મનસુખની ઊંડી ઉલટતપાસ થઇ હતી.
સફેદ ઇનોવા વાઝેની
બીજી તરફ કેસની તપાસ દરમિયાન ટીવી ફૂટેજમાં સફેદ રંગની એક શંકાસ્પદ ઇનોવા જોવા મળી હતી. હવે કારના રહસ્ય પરથી પણ પરદો ઊંચકાયો છે. આ કાર વાઝેના વિભાગની જ હતી અને વાઝે તથા તેના સાથી જવાનો આ કારનો ઉપયોગ કરતા હતા. આમ એનઆઇએને સમગ્ર કેસમાં વાઝેની ભૂમિકા બહુ જ શંકાસ્પદ જણાય છે.
પોલીસ અને સરકાર દ્વારા ૧૬ વર્ષના સસ્પેન્શન બાદ ૮ મહિના પહેલાં જ ફરજ પર પરત લેવાયેલા વાઝેને ફરી એક વખત સસ્પેન્શનનો ઓર્ડર મળ્યો છે. દરમિયાન મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર સચિન વાઝેએ સોમવારે ધરપકડ સામે મુંબઈ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી જણાવ્યું હતું કે તેને ફક્ત શંકાના આધારે પકડવામાં આવ્યો છે. હાઇ કોર્ટે તેની અરજી સુનાવણી માટે સ્વીકારી લીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં હવે રાજકારણ પણ ભળવા લાગ્યું છે. શિવ સેનાએ એક નિવેદન કરીને ભાજપ પર આરોપ મૂક્યો છે કે, ટીવી પત્રકાર અને એન્કર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ વાઝે ભાજપની ટાર્ગેટ યાદીમાં હતો.
પવાર-ઠાકરે વચ્ચે બેઠક
સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી વડા શરદ પવાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક અંગે દાવો થયો હતો કે શરદ પવારે વાઝે પ્રકરણથી ઉઠેલા વિવાદ અંગે નારાજગી કરી હતી. તેમજ ગૃહ પ્રધાન બદલાશે તેવી વાતો પણ વહેતી થઇ હતી. જોકે પવારે આવી કોઇ શક્યતા નકારી હતી.
વાઝેની તબિયત લથડી
ધરપકડ કરાયેલાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેની તબિયત લથડતાં સોમવારે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સચિને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. બે ડોક્ટરની ટીમ તેની તપાસ કરી રહી છે. તેને હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે, વાઝેની છાતીનો એક્સરે પડાયો હતો અને ઇસીજીની તપાસ પણ કરાઇ હતી. ડોક્ટર્સ તપાસ કરી રહ્યા છે કે વાઝેને ખરેખર હૃદય સંબંધિત કોઈ તકલીફ છે કે કેમ?
ક્રાઇમ સીન રિક્રિયેટ કરાશે
હવે એનઆઈએ સચિન વઝેને પીપીઈ કિટ પહેરાવીને મુકેશ અંબાણીના ઘરની બહાર લઇ લઇ જઇને ક્રાઇમ સીન રિક્રિયેટ કરશે. નોંધનીય છે કે ૨૫ ફેબ્રુઆરીએ પીપીઈ કિટ પહેરીને એક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર રાખવામાં આવેલી સ્કોર્પિયો કારની પાસે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. એનઆઈએ માને છે કે એ વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ સચિન વાઝે જ હતો.