એબીજી શિપયાર્ડ મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર

Thursday 17th February 2022 05:30 EST
 
 

નવી દિલ્હીઃ એબીજી શિપયાર્ડે જુદી જુદી બેન્કો સાથે આચરેલી ગેરરીતિ બહાર આવ્યા બાદ શાસક-વિપક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપ - પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે.

યુપીએ શાસનકાળમાં લોન અપાઇ હતીઃ ભાજપ
ભાજપે એબીજી શિપયાર્ડ દ્વારા કથિત રીતે જુદી જુદી બેંકો સાથે આચરાયેલી છેતરપિંડી કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે જણાવ્યું હતું કે આ લોન યુપીએ શાસનકાળમાં આપવામાં આવી હતી. જ્યારે મોદી સરકારે છેતરપિંડી આચરનારા પ્રમોટરો સામે કાર્યવાહી કરી છે. ભાજપ પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સૈયદ ઝફર ઇસ્લામે જણાવ્યું હતું કે આ કેસમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહારો કરવા એ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ છે. ઇસ્લામે જણાવ્યું હતું કે આ તમામ લોન ભાજપના સત્તામાં આવ્યા પહેલા આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાસ્તવિકતા તો એ છે કે ભાજપના શાસન પહેલાં જ સરકારે આ લોનને એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે ગુજરાતની એબીજી શિપયાર્ડ દ્વારા કરવામાં આવેલ રૂ. ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ભાજપની સંડોવણી છે.

વાઇબ્રન્ટ સમિટના સમજૂતી કરારથી ધિરાણ મેળવ્યુંઃ કોંગ્રેસ
એબીજી શીપયાર્ડના મહાકૌભાંડ મામલે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપ રાજમાં થયું છે. એબીજી શીપયાર્ડ, એબીજી સિમેન્ટ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ (સમજૂતી કરાર) કરવામાં આવ્યા હતા અને આ એમઓયુના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં ન્યાયિક તપાસ કરાવવા સાંસદે માગણી કરી છે અને કહ્યું છે કે જો ન્યાયિક તપાસ નહિ થાય તો મોટા માથાં સામે નહિ આવે. ક્યારેય નહિ બન્યું હોય તેટલું મોટું આ કૌભાંડ છે. સાંસદે શક્તિસિંહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં જ્યારે એમઓયુ થયા ત્યારે જ કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે, રિશી અગ્રવાલ દ્વારા સિંગાપોરની સિટીઝનશીપ લેવામાં આવી છે, આ એમઓયુથી વિવિધ બેંકોના કરોડો રૂપિયા ડૂબશે, છતાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં આવી નહોતી, વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જ્યારે એમઓયુ થયા ત્યારે આઈસીઆઈસીઆઈ બેંકના કર્તાહર્તા પણ વાઈબ્રન્ટમાં આવતાં હતા. એસ્સાર અને એબીજીના માલિક મામા-ભાણિયા છે, જેમણે અનેક બેંકોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. આખરે સીબીઆઈએ આ કૌભાંડને લઈને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના સાંસદે ભાજપના નેતાઓને વિનંતી કરી છે કે, રાજકીય ફાયદા માટે વાઈબ્રન્ટના તાયફા બંધ કરવા જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter