એમપી, બિહાર, યુપીની નદીઓમાં ઘોડાપૂર

Wednesday 24th August 2016 08:53 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરનાં પાણીએ કાળો કેર વર્તાવ્યો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પ. બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશની અનેક નદીઓ ગાંડીતૂર બનતાં પૂરનાં પાણી અનેક શહેરોમાં ફરી વળ્યાં છે. ગંગા નદી ખતરાનાં નિશાનથી ઉપર વહી રહી છે. ઉત્તર પ્રદેશમાં યમુના નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. ભારે વરસાદને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાંક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ૨૨મી ઓગસ્ટ સુધીમાં પૂરમાં ૮થી વધુ લોકોનાં મોત થયાં છે.
બિહારમાં એનએચ ૮૨ના કેટલાક હિસ્સાનું ધોવાણ
ગયાથી નવાડા જતા એનએચ-૮૨ હાઈવેનો કેટલોક હિસ્સો ધોવાઈ ગયો છે. આ રસ્તો હાલ બંધ કરાયો છે. લોકો પાણીમાં તણાઈ ન જાય તે માટે પોલીસબંદોબસ્ત ગોઠવાયો છે.
પૂરનાં પાણીથી મધ્ય પ્રદેશનાં અનેક ગામો અને શહેરો જળબંબાકાર થઈ ગયાં છે. ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે. કેટલીક નદીઓનાં પાણી રસ્તા પર ફરી વળતાં અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે. અનેક જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. મધ્ય પ્રદેશમાં ૨૪થી વધુ લોકોનાં મોત થયાં છે. ગ્વાલિયરની સિંધ નદીમાં અચાનક પાણી આવતાં અનેક લોકો ફસાયાં છે. રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સ્થિતિની સમીક્ષા કરવા જાતે રાહત શિબિરોમાં ગયા હતા અને લોકોને અનાજ આપ્યું હતું.
મ.પ્રદેશમાં ૨૨નાં મોત
મધ્ય પ્રદેશમાં છેલ્લા ૨૦મી ઓગસ્ટથી સતત વરસી રહેલા વરસાદના પગલે જનજીવન ઠપ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં ૨૨ લોકોનાં મોત અને ૪૩ લોકો ઘાયલ થયા છે. ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાને કારને પાંચ લોકોનાં મોત થયા છે. રાજસ્થાનના બારન જિલ્લાના ફૂલ બરોડા ગામમાં ૨૨મીએ એક મકાન ધરાશયી થતાં પાંચ લોકોનાં મોત થયા હતા. બારન જિલ્લામાંથી સેનાએ હેલિકોપ્ટર દ્વારા ૨૪ લોકોને બચાવ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter