એમેઝોન-ફયૂચરનો સોદો સંકટમાં; સોદો સસ્પેન્ડને રૂ. ૨૦૦ કરોડનો દંડ

Monday 27th December 2021 06:02 EST
 
 

નવી દિલ્હી: અમેરિકી ઇ-કોમર્સ કંપની એમેઝોનને ભારતમાં બેવડો ઝાટકો મળ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્યૂચર કૂપન્સ વચ્ચે ૨૦૧૯માં થયેલી ડીલ સસ્પેન્ડ કરી દીધી છે. સાથે સાથે જ ડીલ મંજૂર કરાવવા માટે મહત્ત્વની માહિતી છુપાવવા બદલ એમેઝોનને રૂ. ૨૦૦ કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
એમેઝોન અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચે આ કાનૂની વિવાદ મૂળે રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચે ગત વર્ષે ઓગસ્ટમાં થયેલા રૂ. ૨૪,૭૧૩ કરોડના સોદા સાથે જોડાયેલો છે. રિલાયન્સ-ફ્યૂચર ડીલ અંતર્ગત ફ્યૂચર ગ્રૂપની રિટેલ અને લોજિસ્ટિક કંપનીઓની સંપૂર્ણ હિસ્સેદારી રિલાયન્સ ગ્રૂપને મળવાની હતી પણ ફ્યૂચર ગ્રૂપ આ ડીલ મામલે
એક વર્ષથી એમેઝોન સાથે ગૂંચવાયું છે.
એમેઝોનને અપીલની તક
કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ૨૦૧૯માં એમેઝોને ફ્યૂચર ગ્રૂપમાં કરેલા ૨૦ કરોડ ડોલર (અંદાજે રૂ. ૧,૫૦૦ કરોડ)ના રોકાણની સમીક્ષા કરી રહ્યું હતું. તે તપાસી રહ્યું હતું કે એમેઝોને ફ્યૂચર ગ્રૂપમાં રોકાણ માટે તથ્યો છુપાવીને તો મંજૂરી નથી મેળવીને? હવે સમીક્ષા બાદ સીસીઆઇએ ૫૭ પાનના આદેશમાં જણાવ્યું કે એમેઝોન-ફ્યૂચર કૂપન્સ ડીલને નવેસરથી જોવામાં આવે તે જરૂરી છે.
એમેઝોન આ આદેશ મળ્યાના ૬૦ દિવસમાં જવાબ રજૂ કરી શકે છે. ત્યાં સુધી ૨૦૧૯ની આ ડીલ પર સ્ટે રહેશે.
અગાઉ CAIT પણ ફરિયાદ કરી ચૂક્યું છે
એમેઝોન અને ફ્યૂચર ગ્રુપ વચ્ચેના કાનૂની વિવાદ પહેલાં નાના વેપારીઓનું સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - CAIT) પણ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી મૂડીરોકાણવાળી ઇ-કોમર્સ કંપનીઓના બિનપ્રતિસ્પર્ધી વલણ અંગે ઘણી વાર ફરિયાદ કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વેપારીઓના સંગઠને ચાઇનીઝ ઇ-કોમર્સ કંપની શોપી સામે પણ ભારત સરકારને ફરિયાદ કરી હતી.
આ વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા સંગઠને જણાવ્યું હતું કે વેબસાઇટ દ્વારા કિંમતોમાં ચેડા કરીને ‘ફેમા’ તથા એફડીઆઇના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સંગઠન દ્વારા એમેઝોન સહિતની વિવિધ ઇ-કોમર્સ કંપનીઓની ગેરરીતિઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter