એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટના અપહરણનો પ્રયાસ થયો હતો

Monday 30th March 2015 13:05 EDT
 

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની ફ્લાઇટને અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઈટમાં બીમારીના બહાને પાંચ લોકો કેબિનમાં જઈને કેપ્ટનને મળવાની જીદ પકડી હતી પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. તે પછી તમામ એરલાઇન્સના ક્રૂ મેમ્બરને એલર્ટ કરવામાં આવ્યા હતા. જો કે, કોઈ પણ સત્તાવાર વ્યક્તિ કે એજન્સીએ આ પ્રકારની ઘટનાની પુષ્ટી કરી નથી. એક અહેવાલ મુજબ શુક્રવારે જેટ એરવેઝના પાઈલોટોને મોકલાયેલા એક ઈ-મેઈલમાં જાણવા મળે છે કે, પાછલા દિવસોમાં એર ઇન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે બીમારીનું બહાનું બતાવ્યું હતું અને તે પછી પાંચ અન્ય લોકો તેની મદદ માટે આવ્યા હતા અને એ બધા ખુદ ડોક્ટર્સ અને વોલિયન્ટર્સ ગણાવી રહ્યા હતા. તેમણે દર્દીને તપાસ્યા પછી કેપ્ટનને મળવાની જદ પકડી હતી પરંતુ તેમને મંજૂરી મળી ન હતી. ઈમેઈલ મુજબ એ લોકોની જીદ ઘણી શંકાસ્પદ હતી અને જેને કારણે કેપ્ટને ડોક્ટરો સાથે કોકપીટની અંદર અને બહાર તેમને મળવાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટના બાદ એ પાંચ શંકાસ્પદ લોકો અંગે તપાસ થઇ હતી. તેમાં જાણવા મળ્યું હતું કે તેઓ પાકિસ્તાની હતા. પાઈલોટને મોકલાયેલી નોંધ મુજબ એ તમામ પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો અને જ્યારે તેમણે આપેલા નંબર ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ થયો તો તે બધા નંબર ખોટા નીકળ્યા હતા.

દર્દી સામે પણ શંકા ઊભી થઇ છે. આ પ્રકારની નોંધ અન્ય એરલાઈન્સના કેબિન ક્રુને પણ મોકલવામાં આવી છે અને જણાવાયું છે કે, એલર્ટ રહે. તમામને આકરી ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ અનધિકૃત વ્યક્તિને કોઈપણ ભોગે કોકપીટમાં પ્રવેશ ન આપવો. જોકે ગુપ્તચર એજન્સીઓએ આ પ્રકારના દાવાને નકારી કાઢ્યો છે. આ મુદ્દે એર ઇન્ડિયા અને બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ કોઈ ટિપ્પણી કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter