એવિયેશન, ડિફેન્સ અને ફાર્મામાં ૧૦૦ % FDI

Wednesday 22nd June 2016 09:45 EDT
 
 

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા વિદેશી કંપનીઓને ભારતીય બજારમાં લૂંટ ચલાવવાની લીલી ઝંડી અપાઈ છે. બે વર્ષ પહેલાં સુધી ફોરેન ડિરેક્ટ ઇનવેસ્ટમેન્ટનો વિરોધ કરતા ભાજપે વિવિધ ક્ષેત્રોમાં ૧૦૦ ટકા એફડીઆઈને પરવાનગી આપવાનું શરૂ કરી દીધું છે. સોમવારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન, સિંગલ બ્રાન્ડ રિટેલ, ડિફેન્સ અને ફાર્માસ્યુટિકલ જેવાં ક્ષેત્રોમાં ૧૦૦ ટકા એફડીઆઈને પરવાનગી અપાઈ છે. આ ક્ષેત્રોમાં મોટાભાગની એફડીઆઈ ઓટોમેટિક નોર્મ્સ દ્વારા થશે જ્યારે કેટલાક કિસ્સામાં સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. ભારત એફડીઆઈ મામલે સૌથી ખુલ્લી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે.

સંરક્ષણ અને ઉડ્ડયન તેમજ રિટેલ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી આપવાનો મોદી સરકારનો નિર્ણય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા કેટલાંક સંગઠનોને પણ અયોગ્ય લાગ્યો છે. અને તેને દેશ વિરોધી ગણાવ્યો છે. જેમ કે સ્વદેશી જાગરણ મંચ (એસજેએમ) દ્વારા માગ કરવામાં આવી છે કે મોદી સરકાર એફડીઆઇની મર્યાદા ૧૦૦ ટકા કરવાના નિર્ણય અંગે ફરી વિચારે, કેમ કે આ નિર્ણય દેશ વિરોધી છે.

જાણકારોના મતે સરકારે આપેલી પરવાનગીને કારણે દેશના મજબૂત ગણાતા ફાર્મા સેક્ટરને સૌથી મોટો માર પડશે. વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ આવવાથી ભારતની મજબૂત સ્વદેશી કંપનીઓને આર્થિક રીતે ભારે ફટકો પડશે. બીજી બાજુ ફૂડ પ્રોડક્ટમાં ટ્રેડિંગમાં એફડીઆઈને મંજૂરી અપાતાં એગ્રી પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટનાં ક્ષેત્રમાં મોટાપાયે ધોવાણ થશે. કોમર્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને જણાવ્યું કે, આ ફેરફાર દ્વારા મોટાપાયે નોકરીઓનું સર્જન થશે. દેશમાં એફડીઆઈના ઈનફ્લો માટે ક્લિયર ડાયરેક્શન મળી રહેશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter