ઐતિહાસિક દિવસ, હવે રાષ્ટ્ર નિર્માણનો સમયઃ મોદી

Wednesday 13th November 2019 06:09 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટે એક એવા મહત્વપૂર્ણ મામલા પર ચુકાદો આપ્યો છે જેની પાછળ સેંકડો વર્ષોનો ઈતિહાસ છે. ભારતના ન્યાયમંત્ર માટે આ સ્વર્ણિમ અધ્યાય છે. ઘણા લોકોની ઈચ્છા હતી કે દરરોજ સુનાવણી થવી જાઈએ અને ઈચ્છા મુજબ જ સુનાવણી થઈ હતી. આજે ચુકાદો આવ્યો છે. દસકાઓ સુધી ચાલેલી ન્યાયિક પ્રક્રિયાનો અંત આવ્યો છે. હવે આપણે આગળ વધવાની જરૂર છે. રામ મંદિરના નિર્માણનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપી દીધો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઈ છે.
આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે આજે નવમી નવેમ્બરનો દિવસ છે. આજના દિવસે જ બર્લિનની દીવાલ પણ તૂટી હતી અને બે વિચારધારાઓ એક રસ્તા ઉપર આવી હતી. તેમણે કહ્યું હતું કે આજના દિવસે જ કરતારપુર કોરિડોરનું ઉદ્‌ઘાટન થયું છે. હવે દરેક નાગરિક પર નૂતન ભારતના નિર્માણની જવાબદારી પણ વધી ગઈ છે. અયોધ્યા ચુકાદો આપણને સાથે રહી આગળ વધવા પ્રેરણા આપે છે.
૧૧ મિનિટના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે સમગ્ર દુનિયા માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આજે દુનિયાએ પણ જાણી લીધું છે કે ભારતનું લોકતંત્ર કેટલું મજબૂત અને જીવંત રહેલું છે. ચુકાદા બાદ જે રીતે દરેક વર્ગ, સમુદાય, પંથ અને સમગ્ર દેશના લોકોએ ખુલ્લા દિલથી આ ચુકાદાને સ્વીકાર કર્યો છે કે તે ભારતની પરંપરા અને સદ્‌ભાવની ભાવનાને દર્શાવે છે. ભારતમાં ભય, કડવાશ અને નકારાત્મકતાને કોઈ સ્થાન નથી.

કોઈની હાર કે જીત નથી

વડા પ્રધાન મોદીએ અનેક ટ્વિટ કરીને લખ્યું હતું કે, અયોધ્યા ચુકાદાને કોઈની હાર કે જીતના સંદર્ભમાં મુલવવો જોઈએ નહીં. આ ચુકાદાને કારણે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. તેમણે કહ્યું કે હવે રામભક્તિ હોય કે રહીમભક્તિ, પણ હવે ભારતભક્તિ કરવાનો સમય પાકી ગયો છે. લોકોએ ભારત ભક્તિની ભાવનાને પ્રબળ બનાવવાની છે. સુપ્રીમ કોર્ટે દેશનાં વર્ષો જૂના વિવાદનો ચુકાદો આપીને તેનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter