ઐતિહાસિક રાઇટર્સ બિલ્ડિંગઃ ફરી પશ્ચિમ બંગાળમાં સત્તાનું કેન્દ્ર બનશે

Sunday 17th May 2026 06:23 EDT
 
 

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે કોલકાતામાં આવેલું 250 વર્ષ જૂનું રાઇટર્સ બિલ્ડિંગ ફરી ભવ્ય દબદબો મેળવવા સજ્જ બન્યું છે. ભાજપે આ ઐતિહાસિક ઇમારાતને રાજ્ય સચિવાલય તરીકેનો તેનો જૂનો દરજ્જો પરત આપવા નિર્ણય કર્યો છે. નવી સરકાર તેનું સચિવાલય મમતા બેનર્જી વહીવટીતંત્રની સત્તાનું કેન્દ્ર બનેલા ‘નબન્ના’ને આ બિલ્ડિંગમાં શિફ્ટ કરશે. બ્રિટિશરાજમાં સ્વતંત્રતા સેનાનીઓના સશસ્ત્ર હુમલા તથા કોંગ્રેસ તથા સીપીઆઇ(એમ)ના મુખ્યમંત્રીના વહીવટીનું સાક્ષી બનેલું રાઇટર્સ બિલ્ડિંગ હવે ફરી રાજ્ય સચિવાલય બનશે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ 2011માં સત્તામાં આવ્યાના બે વર્ષ બાદ તેને 14 માળની નવી ઇમારત ‘નબન્ના’માં ખસેડાયું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સમીક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે અમે 2021માં જ કહ્યું હતું કે અમારી સરકાર સત્તામાં આવશે તો અમે રાઇટર્સ બિલ્ડિંગમાંથી સરકાર ચલાવીશું.

સન 1780માં બનેલી આ ભવ્ય ત્રણ માળની લાલ ઇમારત નીઓ-ક્લાસિકલ શૈલીમાં બનેલી છે. થોમસ લાયન નામના બિલ્ડરે બનાવેલી આ ઇમારત શરૂઆતમાં ‘રાઇટર્સ’ એટલે કે જુનિયર ક્લાર્ક્સનું રહેઠાણ હતું. બાદમાં તત્કાલીન બ્રિટિશ ગવર્નર વોરેન હેસ્ટિંગ્સે તેને વહીવટી કચેરીમાં પરિવર્તિત કરી હતી. 8 ડિસેમ્બર, 1930એ આ ઇમારત સ્વતંત્રતા સેનાનીઓ બિનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તાના સાહસિક હુમલાની સાક્ષી બની હતી. યુરોપિયન પોશાક પહેરીને તેઓએ જેલના ઇન્સ્પેક્ટર જનરલ લેફ. કર્નલ સિમ્પસનને ઠાર કર્યા હતાં. સ્વતંત્રતા બાદ રાઇટર્સ બિલ્ડિંગ બંગાળ સરકારનું સત્તાકેન્દ્ર બન્યું હતું. 1947માં કોંગ્રેસના પ્રથમ મુખ્યમંત્રી પ્રફુલ્લચંદ્ર ઘોષથી લઈને 2011 સુધી સીપીઆઇ(એમ)ના બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સુધી તમામ મુખ્યમંત્રી અહીંથી કાર્યરત રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter