અમદાવાદઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટોચના બિઝનેસમેન એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર તૈયાર કરતી કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમણે ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામે નોંધણી કરાવી છે. કંપનીના ડિરેક્ટર પદે વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ તેમ જ ડેવિડ જોન ફેસ્ટિનની વરણી કરવામાં આવી છે. ફેસ્ટિન ટેસ્લામાં ગ્લોબલ સિનિયર ડાયરેક્ટર ટ્રેડ માર્કેટ એક્સેસ છે. કંપની ભારતમાં મોડલ થ્રી લોન્ચ કરી શકે છે. વર્ષના પ્રથમ ત્રિમાસના અંતમાં તેની ડિલિવરી શરૂ થઈ શકે છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ગયા વર્ષે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમની કંપની ૨૦૨૧માં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. મસ્કે એક ટ્વિટના જવાબમાં કહ્યું હતું કે તેમની કંપની નિશ્ચિત પણે આગામી વર્ષે પ્રવેશ કરશે. હવે તે જાહેરાત સાકાર થઈ ચૂકી છે.

