નવી દિલ્હી: વેનેઝુએલા સંકટે વર્ષની શરૂઆતમાં જ આખી દુનિયાને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં ધકેલી દીધી છે. આ સંકટની વૈશ્વિક તેલ બજાર પર કેવી અસર થશે તેની અટકળો થઈ રહી છે. દુનિયામાં સૌથી મોટી તેલ હિસ્સેદારી, લગભગ 18 ટકા, ધરાવતું હોવા છતાં વેનેઝુએલા તેલબજારની વૈશ્વિક સપ્લાયમાં ખૂબ ઓછી ભાગીદારી ધરાવે છે. આ કારણે એવું મનાય છે કે વેનેઝુએલા સંકટની તેલની કિંમતો પર તાત્કાલિક કશી અસર નહીં થાય, પણ સંકટના કારણે વાયદા બજારમાં તેલની કિંમતોમાં વૃદ્ધિ થઈ શકે છે, જેની અસર દુનિયાભરનાં બજારોમાં જોવા મળી શકે છે. જો અમેરિકા વેનેઝુએલાના તેલ બિઝનેસ પર કબજો કરી લે, તો તેનાથી તે તેલના મોટા ઉત્પાદક અને નિકાસકાર તરીકે ઊભરશે અને તેનાથી દુનિયાના તેલ બિઝનેસ પર ઓપેકની દાદાગીરી ઘણી હદે ઘટી શકે છે. બીજી તરફ અમેરિકાની કંપનીઓના સહયોગથી ભારતીય તેલ કંપનીઓ નવું રોકાણ કરીને આ ક્ષેત્રમાં મોટી ખેલાડી બની શકે છે.

