કથ્થક નર્તક બિરજુ મહારાજનું હાર્ટએટેકથી નિધન

Thursday 20th January 2022 06:31 EST
 
 

નવી દિલ્હી: કથ્થક નર્તક બિરજુ મહારાજનું સોમવારે ૮૩ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ પૌત્રી અને બે શિષ્યો સાથે અંતાક્ષરી રમી રહ્યા હતા ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. હજુ તો કોઇ કંઇ સમજે ત્યાં તો તેમણે પૌત્રીના ખોળામાં માથું ઢાળી દઇને કાયમ માટે આંખો મીંચી દીધી હતી. બિરજુ મહારાજે કથ્થકની અનોખી શૈલીથી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી હતી. તેમણે અનેક નૃત્યનાટિકાઓ બનાવી હતી. બોલિવૂડમાં પણ ઘણા ગીતોમાં તેમનું યોગદાન રહ્યું છે. માધુરી દીક્ષિતથી લઈને દીપિકા પદુકોણ સહિતની અભિનેત્રીઓને તેમણે ફિલ્મોમાં નૃત્ય શીખવ્યું હતું.
૧૯૮૩માં તેમણે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને અનેક પુરસ્કારો મળ્યા હતા. સંગીત નાટ્ય અકાદમી એવોર્ડથી ૧૯૬૪માં તેમનું સન્માન થયું હતું. ૧૯૮૬માં પદ્મ વિભૂષણ એનાયત થયો હતો.
મહાન કથ્થક નર્તક
બિરજુ મહારાજનો જન્મ ૪થી ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમના પિતા અચ્છન મહારાજ પણ એ જમાનાના વિખ્યાત કથ્થક નર્તક હતા. પિતાના વારસાને તેમણે આગળ વધાર્યો હતો. તેમણે પિતા ઉપરાંત કાકા લચ્છુ મહારાજ પાસેથી તાલીમ મેળવી હતી. લચ્છુ મહારાજ પણ એ જમાનાના ખૂબ જ જાણીતા નૃત્યકાર હતા. ૧૩ વર્ષની વયે તેમણે નૃત્યકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. કલાશ્રમ નામથી એક સંસ્થા તેમણે શરૂ કરી હતી. જેના મારફતે તેમણે આ કળા જીવંત રાખી હતી.
તમારી ખોટ કદી નહીં પુરાયઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકસંદેશો પાઠવતાં લખ્યું હતુંઃ ભારતીય નૃત્યકળાને વિશ્વભરમાં ઓળખ અપાવનારા પંડિત બિરજુ મહારાજની ખોટ ક્યારેય નહીં પુરાય. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરમાં કહ્યુંઃ ભારતીય સંસ્કૃતિમાં તેમનું પ્રદાન અભૂતપૂર્વ છે. તેમને હંમેશા અદ્વિતીય પ્રદાન માટે યાદ રખાશે.
માધુરી અને દીપિકાને નૃત્ય શીખવ્યું
કથ્થક નર્તક હોવાની સાથેસાથે શાસ્ત્રીય ગાયક પણ હતા. તેમણે બોલિવૂડ ફિલ્મો જેવી કે દેવદાસ, દેઢ ઈશ્કિયા, ઉમરાવ જાન અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોના ગીતોની કોરિયોગ્રાફી કરી હતી. જ્યારે સત્યજીત રેની ફિલ્મ શતરંજ કે ખિલાડીમાં સંગીત પણ આપ્યું હતું. ફિલ્મ શતરંજ કે ખિલાડીનું કાન્હા મેં તોસે હારી... ગીતને તેમણે કંપોઝ કર્યું હતું તેમજ કંઠ પણ આપ્યો હતો. દેવદાસ ફિલ્મનું કાહે છેડ... ગીત-સંગીતની રચના બિરજુ મહારાજની હતી. આ ગીત ફિલ્મમાં માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવ્યું જેનો કોરિયોગ્રાફ બિરજુ મહારાજનો હતો. દેઢ ઈશ્કિયાં ફિલ્મનું જગવ સારી રૈના...માં પણ બિરજુ મહારાજ ફરી માધુરી દીક્ષિતના કોરિયોગ્રાફર અને ગાયક બન્યા હતા. આ ગીતને ગુલઝારે લખ્યું હતું અને વિશાલ ભારદ્વાજનું સંગીત હતું. બાજીરાવ મસ્તાની ફિલ્મનું મોહે રંગ દો લાલ... ગીત માટે દીપિકા પદુકોણે બિરજુ મહારાજ પાસે આ ગીતના નૃત્યને લગતી તાલીમ લીધી હતી. આ ઉપરાંત તેમણે શ્રેયા ઘોષાલ સાથે પણ ગાયું હતું તેમજ તેમણે આ ગીત માટે સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો પુરસ્કાર પણ જીત્યો હતો.
કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપમની કોરિયોગ્રાફી માટે બિરજુ મહારાજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. બિરજુ મહારાજે શંકર-અહેસાન-લોય ત્રિપુટી દ્વારા રચિત અને કમલ હાસન તેમજ શંકર મહાદેવન દ્વારા ગવાયેલાં આ ટ્રેકમાં તેમણે કમલ હાસનને નચાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter