કમલેશ તિવારી હત્યા કેસઃ પીડિત પરિવાર દ્વારા હત્યારાઓને ફાંસીની માગ

Wednesday 23rd October 2019 07:37 EDT
 
 

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની ૧૮ ઓક્ટોબરના રોજ બે જણાએ તેમની જ ઓફિસમાં હત્યા કરી હતી. આ કેસમાં ૧૯મી ઓક્ટોબરે ગુજરાત એટીએસે સુરતમાંથી ત્રણની ધરપકડ કરી હતી. તિવારીની હત્યા કરનારા ફરાર આરોપીઓ રશીદના ભાઈ મોઈનુદ્દીન પઠાણ ઉપરાંત અસફાક શેખની ૨૩મી ઓક્ટોબરે ધરપકડ કરાઈ છે. ગુજરાત એટીએસે સુરતના ઉમરવાડા લિંબાયતમાં રહેતા રશીદ ખુરશીદ પઠાણ (ઉં ૩૦), મોસીન શેખ (ઉં ૨૮) અને શહેજાન મેમ્બર (ઉં ૨૨)ની ૧૯મીએ ઘરેથી ધરપકડ કરીને ત્રણ મોબાઈલ કબજે કર્યાં હતાં.
વર્ષ ૨૦૧૫માં કમલેશ તિવારીએ પયગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી નારાજ આ લોકોએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમાં મોઈનુદ્દીન અને અસફાકે ટ્રેનમાં લખનઉ પહોંચીને હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે.
એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડે જણાવ્યું કે, મોસીન શેખ સુરતની એક સ્થાનિક મસ્જિદમાં મૌલવી છે. તેણે શેખ અને પઠાણને તૈયાર કરવા જેહાદી ભાષણ પણ આપ્યું હતું. ત્યારબાદ મોઈનુદ્દીન અને અશફાક ૧૬ ઓક્ટોબરે સુરતથી ઉદ્યોગકર્મી ટ્રેનમાં રવાના થયા હતા અને લખનઉ પહેંચ્યા હતા. ૧૮ ઓક્ટોબરે કમલેશ તિવારીની ઓફિસમાં જઈને થોડી વાર તેમની સાથે ચર્ચા પણ કરી હતી. બાદમાં તિવારી પર ગોળીબાર કરાયો હતો. જોકે રિવોલ્વરમાંથી કોઈ કારણસર ગોળી ન છુટતા તેમણે તિવારીના ગળાના ભાગે તથા શરીરના અન્ય ભાગો પર ચાકુના ૧૫થી વધુ ઘા ઝીંકીને તેમની હત્યા કરી નાંખી હતી અને ફરાર થઈ ગયા હતા. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા. તેમણે દાઢી કાઢી નાંખી હતી. આમ આરોપીઓએ હિન્દુ હત્યારા હોવાની છાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિત પરિવાર યોગીને મળ્યો
કમલેશ તિવારીનો પરિવાર ૨૦મી ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યો હતો. તિવારીની પત્ની કિરણે તેના પતિના હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. કિરણે જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથે અમને ખાતરી આપી છે કે, અમને ન્યાય મળશે. હત્યારાઓને સજા અપાશે. પરિવારે લખનઉના ખુરશેદ બાગ ખાતે કમલેશ તિવારીની પ્રતિમા મૂકવા અને આ વિસ્તારની એક સડકને તેમનું નામ આપવાની પણ માગ કરી હતી. હિંદુ સમાજ પાર્ટીએ ધમકી આપી હતી કે જો અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter