કરકરેનું મારા શ્રાપથી મૃત્યુ થયું, બાબરી તોડવાનું મને ગૌરવઃ સાધ્વીની નિવેદનબાજી

Wednesday 24th April 2019 08:06 EDT
 
 

ભોપાલઃ ભોપાલમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં તેઓએ સોમવારામાં પહેલી ચૂંટણી સભા કરીને રોડ શો કર્યો હતો. પ્રજ્ઞાએ સભામાં કહ્યું કે, હું મહિલા ઉત્પીડનનું પ્રત્યક્ષ પ્રમાણ છું, મને અલગ અલગ રીતે પરેશાન કરવામાં આવી છે. રોડ શો દરમિયાન એનસીપી કાર્યકર્તાઓએ તેમને કાળો ઝંડો દેખાડવાના પ્રયાસ કર્યા એ પછી ભાજપ કાર્યકર્તાઓએ તેમને માર માર્યો હતો અને ઝંડા દેખાડનાર યુવકને પોલીસે ધરપકડ કરી હતી.
સાધ્વી પ્રજ્ઞા એક પછી એક વિવાદાસ્પદ નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. ૧૯મીએ સાધ્વીએ કહ્યું કે, મુંબઇમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસના અધિકારી હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી હતી. પ્રજ્ઞા। ઠાકુરે જણાવ્યું હતું કે, હેમંત કરકરેએ મને ખોટી રીતે ફસાવી રહી હતી. મેં તેમને જણાવ્યું હતું કે, તમારો આખો વંશ નાશ પામશે. હેમંત કરકરેને શ્રાપ આપ્યાના એક મહિનામાં જ તેઓ તેમના કર્મોના કારણે મરી ગયા છે. આ ઉપરાંત સાધ્વીએ બીજું નિવેદન એ આપ્યું હતું કે ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવામાં તેમણે પણ મદદ કરી હતી. જેનું તેમને ગૌરવ છે.
ભોપાલ બેઠકના ભાજપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના બાબરી મસ્જિદ અંગેના નિવેદન પછી સાધ્વી વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ ચૂંટણી પંચે પોલીસને કર્યો હતો. જોકે કરકરે અંગેના નિવેદન માટે એવું બન્યું હતું કે વિવાદ વકરતો જતો હતો તેથી સાધ્વીએ એ વિવાદાસ્પદ નિવેદન પાછું ખેંચ્યું હતું.
સાધ્વી કહ્યું હતું કે, કરકરે અંગેના મારા નિવેદનથી દુશ્મનો મજબૂત થઈ રહ્યાં છે તેથી હું મારું નિવેદન પરત ખેંચું છું. આ મારી અંગત ટિપ્પણી છે કારણ કે મેં યાતનાઓ સહન કરી છે. હું સંન્યાસી છું. મારી મર્યાદામાં રહું છું. અમે દેશને ક્યારેય પણ કમજોર નહીં થવા દઈએ.
સાધ્વીનું આ વ્યક્તિગત નિવેદન છે : ભાજપ
હેમંત કરકરે વિશે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કરેલા નિવેદનની ચૂંટણી પંચે નોંધ લીધી અને કોંગ્રેસે ટીકા કરી એટલે ભાજપે પારોઠના પગલાં લઈને એને સાધ્વીનું વ્યક્તિગત મંતવ્ય ગણાવીને કહ્યું છે કે ભાજપ હંમેશાં હેમંત કરકરેને શહીદ માને છે. ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અનિલ બલૂનીએ ૧૯મીએ સાંજે દિલ્હીમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપનું સ્પષ્ટ માનવું છે કે સ્વર્ગીય હેમંત કરકરે આતંકવાદીઓ સામે બહાદુરીથી લડતાં વીરગતિને પ્રાત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter