નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડે મંગળવારે પશ્ચિમ બેંગલુરુના જલાહલ્લી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી દસ હજાર જેટલાં નકલી મતદાર ઓળખપત્ર જપ્ત કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ ફ્લેટ રાજરાજેશ્વરીનગર વિધાનસભા બેઠક અંતર્ગત આવે છે. ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી બાયરે ગોવડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમે ગણતરી કર્યાં છે તે મતદાર ઓળખપત્રો માન્ય આઈડી છે અને ૧૦થી ૧૫ વર્ષ જૂનાં છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ ઓળખપત્રો બનાવટી છે કે કેમ? આરઆરનગર વિધાનસભા બેઠક પરથી જદએસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા જગદીશ રામચંદ્રના પુત્ર જી. એચ. રામચંદ્ર ચૂંટણી પ્રચાર દરમિયા આ ઘટનાને બહાર લાવ્યા હતા.