નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિજય બાદ હવે કર્ણાટક ઉપર પણ સત્તા મેળવવા બાજપ સજ્જ હોવાનું જણાય છે. કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ. એમ. કૃષ્ણા ૨૨મીએ ભાજપમાં જોડાયા હતા. તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મને એમ લાગતું હતું કે, કોંગ્રેસને મારી જરૂર નથી. બીજી તરફ મોદી અને શાહના કામથી હું ખૂબ પ્રભાવિત હતો તેથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ભાજપના કામગરો
ભાજપમાં જોડાયા પછી એસ. એમ. કૃષ્ણાએ જણાવ્યું હતું કે, મેં કર્ણાટક અને કેન્દ્ર એમ બંને સ્તરે કામ કર્યું છે. રાજકારણમાં બહોળો અનુભવ ધરાવું છું. આ છતાં કોંગ્રેસને એવું લાગ્યું હશે કે હું ઘણા સમયથી ઉપયોગી નહોતો. નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળ ભાજપ ઘણા સારા કામ કરી રહ્યો છે.
ભાજપને ફાયદો થશેઃ શાહ
અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે કૃષ્ણાજીના આવવાથી પક્ષને રાજ્ય અને કેન્દ્ર સ્તરે મજબૂતી મળશે. તેમની સિનિયોરિટી, અનુભવ અને આયોજનનો ભાજપને ઘણો ફાયદો મળશે. તેમનું સંપૂર્ણ માન જાળવીને જ તેમને પક્ષ સાથે જોડવામાં આવ્યા છે.
૪૬ વર્ષનો અનુભવ
એસ. એમ. કૃષ્ણા લગભગ ૪૬ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા હતા. તેમણે હાલમાં જ ૨૯ જાન્યુઆરીએ જ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. તે રાજકારણમાં ઘણા શક્તિશાળી નેતા ગણાય છે. ખાસ કરીને વોક્કાલિગા કમ્યુનિટીના મુખ્ય નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી કર્ણાટકના મુખ્ય પ્રધાન હતા. તે ઉપરાંત દેશના વિદેશ પ્રધાન અને મહારાષ્ટ્રના ગવર્નર તરીકે પણ તેમણે સેવા આપી છે.