નવીદિલ્હી: કર્ણાટકના મુખ્યપ્રધાન પદેથી બી.એસ.યેદિયુરપ્પાએ ૨૭ જુલાઈએ રાજીનામું આપતા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં તખતાપલટની ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો હતો પોતાના રાજીનામાની વિધાનસભામાં જાહેરાત કરતા યેદિયુરપ્પા રડી પડ્યા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા રાજીનામાનો સ્વીકાર કરીને તત્કાળ યેદિયુરપ્પા પ્રધાનમંડળનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યા સુધી નવા સીએમની વરણી ન થાય ત્યા સુધી કાર્યકારી સીએમ તરીકે ચાલુ રહેવા તેમણે યેદિયુરપ્પાને આદેશ આપ્યો હતો. યેદિયુરપ્પાને સત્તા સંભાળ્યાને સોવારે બે વર્ષ પૂરા થયા હતા. ત્યારે જ તેમને હોદ્દો છોડવાની નાટકીય ફરજ પડી હતી. નવા સીએમની ભાજપ મોવડીમંડળ દ્વારા બે-ત્રણ દિવસમાં વરણી કરવામાં આવશે.
હું હંમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છુંઃ યેદિયુરપ્પા
રાજીનામાની જાહેરાત વખતે વિધાનસભામાં યેદિયુરપ્પાએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં હું હંમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું. ૭૮ વર્ષનાં યેદિયુરપ્પાએ કહ્યું હતુ કે અટલજી જ્યારે પીએમ હતા ત્યારે તેણે મને કેન્દ્રમાં પ્રધાન બનવાની ઓફર કરી હતી. જો કે મેં તે વખતે કર્ણાટકમાં રજીને રાજ્ય માટે કામ કરવાનું પસંદ કર્યું હતું. અહી મારી હંમેશાં અગ્નિપરીક્ષા થતી રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાએ પણ પરીક્ષા લીધી છે. તેમણે કહ્યું હતું કે પાર્ટી અને મોવડીમંડળ દ્વારા તેમને રાજીનામું આપવા દબાણ કરાયું નથી.
યેદિયુરપ્પાનાં રાજીનામાનાં કારણોઃ યેદિયુરપ્પાની મોટી ઉંમર અને નાદુરસ્ત તબિયત • યેદિયુરપ્પાની કામગીરી સામે કેટલાક ધારાસભ્યોનો અસંતોષ • રાજ્યાં નવા નેતા તરીકે ઊભરી રહેલા બી.એલ.સંતોષની નારાજગી • શોભા કરંદલાજેની કેન્દ્રમાં પ્રધાનપદે વરણી