કર્ણાટકમાં ફરી સત્તાની સાઠમારી

Thursday 17th January 2019 06:59 EST
 

નવીદિલ્હીઃ કર્ણાટકમાં ભાજપે કુમારાસ્વામી-કોંગ્રેસ ગઠબંધન સરકારથી અસંતુષ્ટોને પોતાના પક્ષે કરી રાજ્યમાં સરકાર રચવા ઓપરેશન લોટસ શરૂ કરતાં રાજકીય અંધાધૂંધી છે. મંગળવારે બે અપક્ષ ધારાસભ્યો એચ. નાગેશ અને આર શંકરે કુમારાસ્વામીના નેતૃત્વ હેઠળની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલ વજુભાઇ વાળાને પાઠવવા જાહેર કરેલા બે અલગ અલગ પત્રોમાં બંને ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક અસરથી કોંગ્રેસ-જેડીએસ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લઇએ છીએ. બંને ધારાસભ્યોએ પત્રકારોને જણાવ્યું હતું કે, હવે અમે ભાજપને સમર્થન આપીશું. અમને આશા છે કે ભાજપ અમને આવકારશે.
બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળવા દોડી ગયેલા મુખ્ય પ્રધાન કુમારાસ્વામીએ જણાવ્યું હતું કે, મને પૂરતા ધારાસભ્યોનું સમર્થન છે અને મને કોઇ બાબતની ચિંતા નથી. બે અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપશે તેનાથી શું થવાનું છે? શું ભાજપ બહુમતી પુરવાર કરી શકવાનો છે?
સોમવારે કોંગ્રેસના ૩ ધારાસભ્ય ભાજપના કેટલાક ધારાસભ્ય સાથે મુંબઇ પહોંચતા કર્ણાટકમાં હોર્સટ્રેડિંગ શરૂ થયાની ચર્ચા હતી. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને રૂ. ૩૦ કરોડની ઓફર આપી રહ્યો છે. કોંગ્રેસે પાટલી બદલે તેવી સંભાવનાવાળા ધારાસભ્યોને વગદાર હોદ્દાની ઓફર પણ કરી છે. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, અમારા પાંચ ધારાસભ્યો લાપતા છે અને ભાજપે ફરી એકવાર રાજ્યમાં ઓપરેશન લોટસનો પ્રારંભ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter