કાંચી કામકોટિ મઠના શંકરાચાર્ય બ્રહ્મલીન

Thursday 01st March 2018 03:18 EST
 
 

કાંચીપુરમ્ઃ કાંચી કામકોટિ પીઠના શંકરાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. તેમણે ૨૮ ફેબ્રુઆરીએ સવારે કાંચીપુરમની પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

કાંચી મઠના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૩૫ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેઓ ૧૯૫૪માં શંકરાચાર્ય બન્યા હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ સુબ્રમણ્યન મહાદેવ અય્યર હતું. તેમને સરસ્વતી સ્વામિગલના ઉત્તરાધિકારી ઘોષિત કરાયા ત્યારે તેઓ માત્ર ૧૯ વર્ષના હતા. તેઓ ૬૫ વર્ષ સુધી શંકરાચાર્ય રહ્યા. ૨૦૦૩માં તેમણે શંકરાચાર્ય તરીકે ૫૦ વર્ષ પૂરા કર્યાં હતાં.

૧૯૮૩માં જયેન્દ્ર સરસ્વતીએ શંકર વિજયેન્દ્ર સરસ્વતીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા. કાંચી મઠની સ્થાપના આદિ શંકરાચાર્યએ કરી હતી. કાંચી મઠ કાંચીપુરમમાં સ્થાપિત એક હિન્દુ મઠ છે. તે પાંચ પંચભૂત સ્થળો પૈકી એક છે. અહીં મઠાધીપતિને શંકરાચાર્ય કહે છે.

હત્યાકેસમાં જેલ જવું પડ્યું હતું

જયેન્દ્ર સરસ્વતીની શંકર રમન્ હત્યાકાંડ મામલે ધરપકડ કરાઈ હતી. જોકે, બાદમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. આ કેસમાં કાંચી મઠના શંકરાચાર્ય અને તેમના સહયોગી મુખ્ય આરોપી હતા. તે સમયે તામિલનાડુમાં જયલલિતાની સરકાર હતી. જયલલિતા જયેન્દ્ર સરસ્વતીને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતાં. પોલીસ જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેઓ ‘ત્રિકાળ સંધ્યા’ કરી રહ્યા હતા.

અયોધ્યા વિવાદ ઉકેલવા પ્રયાસ

જયેન્દ્ર સરસ્વતી એક સમયે અયોધ્યા વિવાદના ઉકેલ માટે ખૂબ સક્રિય હતા. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ અયોધ્યા મામલે સમાધાન માટે શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના પ્રયાસોની સરાહના કરી હતી. જયેન્દ્ર સરસ્વતીએ ૨૦૧૦માં દાવો કર્યો હતો કે વાજપેયી સરકાર અયોધ્યા વિવાદના સમાધાનની નજીક પહોંચી ગઈ હતી. તે સંસદમાં કાયદો ઘડવા ઇચ્છતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter