કાયાપલટઃ ગંગા સાથે જોડાયા ગંગાધર

Wednesday 15th December 2021 06:10 EST
 
 

ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ ધામની કાયાપલટ થઇ ગઈ છે. હવે ગંગાકિનારે વારાણસીના જૂના ઘાટથી સીધા બાબા વિશ્વનાથ મંદિર સુધી જઈ શકાશે. ખરેખર નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરના માધ્યમથી શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને મા ગંગા હવે સીધા જોડાઈ ગયા છે. તેનો મતલબ એ થયો કે બોટની મદદથી નૌકાવિહારની મજા માણી શકાશે, ઘાટને નિહાળતા બાબાના ધામ સુધી પહોંચી શકાશે અને બીજી તરફ ખુલેલા ઘાટનો પણ આનંદ લઈ શકાશે. જો શ્રદ્ધાળુ વારાણસીના દક્ષિણ કિનારે અસ્સી ઘાટ પર હશે તો ત્યાંથી બોટથી ફક્ત ૧૫ મિનિટમાં, ઉત્તર કિનારે ખડકિયા ઘાટ કે રાજઘાટથી ફક્ત ૧૦ મિનિટમાં બાબાધામ પહોંચી શકશે. વિશ્વનાથ ધામમાં સાત દ્વાર છે જે રોડ તથા અન્ય માર્ગોના માધ્યમથી વિશ્વનાથ ધામને જોડે છે. વારાણસીના વિજય યાદવ કહે છે કે બોટથી બાબાના ધામ પહોંચવાનું સપનું સાકાર થવા જેવું છે. દશાશ્વમેઘ વિસ્તારમાં આવેલી હોટેલ સાહૂના માલિક એડવોકેટ આશીષ સાહૂ કહે છે કે બહારથી આવનારા શ્રદ્ધાળુ હવે શેરીઓની જગ્યાએ ગંગામાં બોટની મદદથી આવશે.
૩ હજાર ચોરસ ફૂટમાંથી ૫ લાખ ચોરસ ફૂટ
કાશી વિશ્વનાથ મંદિર પરિસર અગાઉ ૩ હજાર ચોરસ ફૂટમાં હતું. આસપાસના ૪૦૦ મકાનો દૂર કરીને મંદિર ૫ લાખ ચોરસ ફૂટનું કરાયું. મંદિર ટ્રસ્ટે અહીં મહારસોઇ બનાવી છે, જ્યાં રોજ ૨૦ હજાર શ્રદ્વાળુઓ ભોજન કરી શકશે.
કાવડિયાઓને જામથી મુક્તિ મળશે
નવું પરિવર્તન શિવભક્તો માટે મોટી ભેટ સમાન છે. ખાસ કરીને કાવડિયાઓ માટે. કાશી વિશ્વનાથ ધામ જ્યોતિર્લિંગ પણ છે. શ્રાવણ મહિનામાં દર્શન કરવા, ગંગાજળ લેવા માટે લાખો કાવડિયા કાશી પહોંચે છે. હવે આ મહિનામાં શહેરમાં લાખોની ભીડ ઘટશે. ભક્તો અને કાવડિયાઓ સરળતાથી વિશ્વનાથ ધામ પહોંચી શકશે. હવે વારાણસીમાં દરરોજ ૨૫ હજારની ભીડને મેનેજ કરી શકાશે.
૫૦થી ૭૦ હજાર શ્રદ્ધાળુને દર્શનનો લાભ
દર સોમવારે અને મહાશિવરાત્રિ પર્વે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અગાઉ સાંકડી ગલીઓમાંતી પસાર થઈને મંદિર સુધી પહોંચતા કલાકોનો સમય લાગતો હતો. હવે વિશ્વનાથ ધામના મંદિરનો ચોક વિસ્તાર એટલો વિશાળ છે કે અહીં ૫૦-૭૦ હજાર શ્રદ્ધાળુઓ દર્શન-પૂજા કરી શકશે.
ગાંધીજીનું સ્વચ્છ મંદિરનું સપનું સાકાર
કાશી વિદ્વત પરિષદના અધ્યક્ષ પ્રો. રામ નારાયણ દ્વિવેદીએ કહ્યું કે ૧૯૦૩માં મહાત્મા ગાંધી પહેલી વાર વારાણસી આવ્યા હતા. જ્યારે તેઓ મંદિર દર્શન માટે ગયા તો લખ્યું કે જે જગ્યાએ લોકો ધ્યાન અને શાંતિના માહોલની આશા રાખે છે તે એકદમ નદારદ છે. અહીં ગંદકી છે. પ્રો. દ્વિવેદીએ કહ્યું કે આજે કાયાપલટ થઇ ચૂકી છે. વારાણસી સ્વચ્છ થઈ ગયું છે. મહાત્મા ગાંધી હોત તો તેઓ અત્યંત ખુશ થયા હોત.
ધાર્મિક પર્યટન ૪ ગણું થવાની આશા
વારાણસી હોટેલ એસોસિએશન અધ્યક્ષ ગોકુલ શર્માએ કહ્યું કે કોરિડોર પર્યટન વધારવું એ સંજીવની સાબિત થશે. કોરોના છતાં ઘરેલુ પર્યટકોથી આશરે ૧૦૦૦ હોટેલ - લોજ ફેબ્રુઆરી સુધી ભરાયેલા છે. વેપાર મંડળના પદાધિકારી ગુલશન કપૂરે કહ્યું કે બંગાળ તથા દક્ષિણ ભારતથી આવનારા શ્રદ્ધાળુની સંખ્યા ત્રણથી ચાર ગણી વધશે. હાલ ૭૦૦૦ ભક્તો આવે છે, જે ૪ ગણા થઈ જશે.
વેપાર વધશે, નાવિકોનું જીવન બદલાશે
ગંગા નદીનો માર્ગ શરૂ થવાથી વારાણસીના વેપાર-ધંધામાં જોરદાર ઉછાળો જોવા મળશે તેવી આશા રખાઈ રહી છે. જળમાર્ગ નાવિકોની આવક વધારવામાં મદદરૂપ થશે. ગંગાની સૈર તેમની આવક વધારવાની સાથે જીવનમાં નવું પરિવર્તન લાવશે. જ્યારે ભક્તોની સંખ્યા વધવાથી હોટેલ, રેસ્ટોરાંની સાથે ખરીદી સંબંધિત બિઝનેસ અનેક ગણો વધવાની આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter