કાર અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈક ઈજાગ્રસ્તઃ પત્નીનું મોત

Tuesday 12th January 2021 08:18 EST
 

બેંગલુરુ: કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈક અને તેમનાં પત્ની વિજયા સહિત કુલ છ લોકો જે એસયુવી કારમાં સવાર હતા તેને સોમવારે રાત્રે અકસ્માત નડતાં સૌને તાકીદે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દેશભરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી વચ્ચે જ કેન્દ્રીય પ્રધાનને અકસ્માત નડયો હતો. સારવાર બાદ શ્રીપદ નાઈક ભાનમાં આવી ગયા છે અને તેમને વધુ સારવાર માટે ગોવા શિફ્ટ કરાયા છે જ્યારે માથામાં ગંભીર ઈજાની સારવાર દરમિયાન વિજયા નાઈકનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત નાઈકના એક સહાયકનું પણ સારવારમાં મોત થયું હતું.
પોલીસે જણાવ્યું કે, શ્રીપદ અને વિજયા નાઈક સોમવારે યેલાપુરના ગંતે ગણપતિ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા. પૂજા-અર્ચના બાદ સાંજે તેઓ ગોકરણ જતાં હતાં. અકોલા પાસે નેશનલ હાઈવે ૬૩ પરથી ગાડીને એક શોર્ટકટ રસ્તે ઉતારાઈ હતી. આ રસ્તો બિસ્માર હોવાથી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે આ ઘટનામાં કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. વડા પ્રધાન મોદીએ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને ગોવાના મુખ્ય પ્રધાનને નાઈકની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રીપદ નાઈક આયુર્વેદ, યોગ - પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી વિભાગના પ્રધાન છે. તેમને સંરક્ષણ રાજ્ય પ્રધાન તરીકે પણ જવાબદારી સોંપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter