કાર્તિ ચિદમ્બરમ્ કાનૂની સકંજામાંઃ ઘર-ઓફિસ પર દરોડા, સાથીની ધરપકડ

Wednesday 25th May 2022 07:12 EDT
 
 

નવી દિલ્હી: સીબીઆઇએ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના ઘર-ઓફિસ સહિત 10 સ્થળે દરોડા પાડ્યા. કાર્તિ સામે આરોપ છે કે તેમણે યુપીએ સરકારના કાર્યકાળમાં જુલાઇ-ઓગસ્ટ 2011માં ચીનના 250 નાગરિકને તલવંડી સાબો પાવર પ્રોજેક્ટ માટે વિઝા અપાવવાના નામે રૂ. 50 લાખની લાંચ લીધી હતી.
સીબીઆઇએ કાર્તિના ચેન્નઇ-મુંબઇમાં ત્રણ-ત્રણ અને દિલ્હી, કર્ણાટક, પંજાબ તથા ઓડિશામાં 1-1 ઠેકાણે ગયા મંગળવારે દરોડા પાડ્યા હતા. બાદમાં ઇડીએ આ જ કેસમાં કાર્તિના નજદીકના સાથીદારની ધરપકડ કરીને વિશેષ તપાસ હાથ ધરી છે. દરોડા બાદ કાર્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આવું તો કેટલીય વખત થઇ ચૂક્યું છે. તેની ગણતરી પણ હું ભલી ગયો છું. જરૂર રેકોર્ડ બનશે. નોંધનીય છે કે કાર્તિક હાલ ઘરે નથી. તેઓ લંડન ગયા છે.

ચિદમ્બરમ્ પરિવાર પર 7 વર્ષમાં 3 એજન્સીના દરોડા

નવી દિલ્હી: લોકસભાના સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ દરોડાનો નવો રેકોર્ડ બની ગયો છે. વર્ષ 2015થી અત્યાર સુધીના 7 વર્ષમાં સીબીઆઇ, ઇડી અને ઇનકમ ટેક્સ તેમના ૬૦થી વધુ ઠેકાણા પર લગભગ આઠ વખત દરોડા પાડી ચૂક્યા છે. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પરિવારની વાત કરીએ તો અત્યાર સુધી 8 કેસમાં તેમના નામ સામે આવી ચૂક્યા છે.
સૌપ્રથમ ઇડીએ એરસેલ-મેક્સિસ કેસમાં એપ્રિલ 2015માં કાર્તિની કંપની પર વિદેશી રોકાણમાં ગેરરીતિ મામલે દરોડા પાડ્યા હતા. પછી તે જ વર્ષે પહેલી ડિસેમ્બરે પણ ઇડીએ કાર્તિની ઓફિસે દરોડા પાડ્યા અને 16 ડિસેમ્બરે કાર્તિનું લેપટોપ-ફાઇલ્સ કબજે કર્યા.
ફેબ્રુઆરી 2016માં ઇડીએ ફરી દરોડા પાડ્યા. મે 2017માં સીબીઆઇએ આઇએનએક્સ મીડિયા મામલે દરોડા પાડ્યા. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018માં ફરી ઇડીએ દરોડા પાડ્યા. ફેબ્રુઆરી, 2018માં મની લોન્ડરિંગ કેસમાં કાર્તિની ધરપકડ થઇ હતી. ઓક્ટોબર 2018માં સંપત્તિ જપ્ત કરાઇ હતી.
આ કેસમાં પણ નામ આવ્યું છે
• એરસેલ-મેક્સિસ: 2006માં પી. ચિદમ્બરમે પોતે નાણામંત્રી હતા ત્યારે આ ડીલને મંજૂરી આપી હતી. આરોપ છે કે તેમને 600 કરોડ રૂપિયા સુધીની ડીલનો જ અધિકાર હોવા છતાં તેમણે 3500 કરોડની ડીલને મંજૂરી આપીને પુત્ર કાર્તિને ફાયદો કરાવ્યો હતો.
• આઇએનએક્સ મીડિયા: 2007નો કેસ છે. ત્યારે ચિદમ્બરમ નાણામંત્રી હતા. INX મીડિયા પાસેથી લાંચ લઇને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડને ગેરકાયદે રીતે મંજૂરી અપાવી. ચિદમ્બરમ અને કાર્તિ કેટલાય દિવસ જેલમાં પણ રહી ચૂક્યા છે.
• શારદા ચિટફંડ કૌભાંડ: તેમાં ચિદમ્બરમના પત્ની નલિની વિરુદ્ધ સીબીઆઇ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. નલિની સામે ૧.૪ કરોડ રૂપિયાની કથિત લાંચ લેવાનો આરોપ છે. ધરપકડથી રાહત મળી ચૂકી છે.
• એર ઇન્ડિયા સંબંધી ખરીદીનો કેસ: ઇડીએ ચિદમ્બરમને એર ઇન્ડિયા સાથે સંકળાયેલા ખરીદી મામલે તપાસમાં સહકાર આપવા કહ્યું.
• બ્લેક મની કેસ: મદ્રાસ હાઇ કોર્ટે ચિદમ્બરમ, નલિની, કાર્તિ અને તેની પત્ની શ્રીનિધિ સામે કાળા નાણા મામલે કેસ ચલાવવાનો આવકવેરા વિભાગનો આદેશ રદ કર્યો હતો. કેસ પડતર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter