કાર્વિ સ્ટોકની રૂ. 1984 કરોડની સંપત્તિ જપ્ત

Friday 25th March 2022 09:00 EDT
 
 

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કેસમાં આકરું પગલું ભરતાં જાણીતી કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ) અને તેના ચેરમેન સી. પાર્થસારથિ તથા અન્યોની માલિકીની રૂ. 1984 કરોડની કિંમતની ચલ અને અચલ સંપત્તિઓને અસ્થાયી ધોરણે જપ્ત કરી છે. આ પ્રોપર્ટીમાં જમીન, બિલ્ડિંગ અને શેરહોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. એક અગ્રણી બેન્કની ફરિયાદના આધારે હૈદ્રાબાદ પોલીસના સીસીએસ પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરાયેલી એફઆઈઆરના આધારે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી છે.
બેન્કોએ ફરિયાદ કરી હતી કે, કાર્વિ જૂથે પોતાના ગ્રાહકોની માલિકીના અંદાજે રૂ. 2800 કરોડની કિંમતના શેર્સને ગેરકાયદે ગીરવી મૂકીને મોટી રકમની લોન લીધી હતી અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ તથા માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’ દ્વારા કરવામાં આવેલા આદેશને પગલે ક્લાયન્ટ્સની સિક્યોરિટીઝને મુક્ત કરી દેતાં હવે તે લોન્સ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) થઇ ગઇ છે.
ગ્રાહકોનાં નાણા પોતાના બેન્ક ખાતામાં જમા
એનએસઇ દ્વારા 2019માં કેએસબીએલનું ઇન્સ્પેક્શન કરાતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કાર્વિએ ડીપી એકાઉન્ટ જાહેર કર્યું ન હતું અને ક્લાયન્ટ્સના શેર્સને ગીરવી મૂકીને એકત્ર કરાયેલાં નાણાં સ્ટોક બ્રોકર-ક્લાયન્ટ એકાઉન્ટમાં જમા કરવાના બદલે સ્ટોક બ્રોકર-ઓવ્ન એકાઉન્ટ એટલે કે તેના પોતાના બેન્ક ખાતાઓમાં જમા કરાવ્યા હતાં. ઈડીએ જણાવ્યું હતું કે ગુનાની આવકને ગુનેગારોથી સુરક્ષિત કરવાના ઉદ્દેશ સાથે ઈડીએ રૂ. 213.69 કરોડની પ્રોપર્ટીઝ, રૂ. 438.70 કરોડના સી. પાર્થસારથિના શેરહોલ્ડિંગ્સ તેમજ જૂથની કંપનીઓની રૂ. 1280 કરોડની ચલ-અચલ સંપત્તિઓ મળીને કુલ 1984 કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter