નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ જ્યારથી રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી બ્લેક મનીનું વ્હાઈટ મનીમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની જાણકારી મેળવવા અનેક ભારતીયો ગુગલ પર સર્ચ કરી રહ્યા છે.
૧૧ નવેમ્બર પછી તો આ સર્ચમાં ભારે જુવાળ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુગલનો સહારો લેનારા રાજ્યોમાં ગુજરાત રાજ્ય ટોચ પર હતું. આમાં આશ્ચર્ય પામવા જેવું નથી કારણ કે નોટો રદ થવાને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં એકદમ સોંપો પડી ગયો છે.
સુરત માત્ર ભારતનું જ હીરા ઉત્પાદન મથક નથી પરંતુ વિશ્વમાં પ્રોસેસ્ડ થતા હીરામાંથી ૯૫ ટકા સુરતમાં થાય છે. અહીં મોટાભાગના હીરાના વેપારીઓ રોકડ, વિશ્વાસ તથા ચિઠ્ઠી પર વેપાર કરે છે. આવક વેરા વિભાગ હીરા ઉદ્યોગમાં બ્લેક મનીની હેરાફેરી માટે ચાલતા સિક્રેટ કોડને તોડી રહ્યા છે. ગુજરાત બાદ ગુગલ પર સર્ચ કરવામાં ઝારખંડ બીજા ક્રમે અને ત્યારપછી હરિયાણા, મહારાષ્ટ્ર વગેરેનો ક્રમ આવે છે.
બ્લેક મનીની વ્યાખ્યા સમજવા માટેની સર્ચમાં મિઝોરમ પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે બીજા ક્રમે મેઘાલય અને ત્યારપછી નાગાલેન્ડ અને મણીપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડા પ્રધાને હવે પછીનો ટાર્ગેટ બેનામી પ્રોપર્ટીધારકો હશે એવી આપેલી ચીમકી બાદ બેનામી ર્પ્રાપર્ટી એટલે શું એવા પણ સવાલ થઈ રહ્યા છે.