વારાણસીઃ હિંદુઓના પવિત્ર માસ શ્રાવણના પ્રારંભ પહેલાં મુસ્લિમ સમુદાયે કાશી વિશ્વનાથ ધામ (કોરિડોર)ના વિકાસ માટે જ્ઞાાનવાપી મસ્જિદની બાજુમાં આવેલી ૧,૭૦૦ ચોરસ ફૂટ જમીન શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને ભેટ આપી છે. જેના બદલામાં કાશી વિશ્વનાથ મંદિરના વહીવટદારોએ મુસ્લિમોને ૧,૦૦૦ ચોરસ ફૂટ જમીન ભેટમાં આપી હતી. આ માટેની જાહેરાત વારાણસીમાં શુક્રવારે કરાઈ હતી પરંતુ તે અંગેનો નિર્ણય બંને પક્ષ દ્વારા ૯મી જુલાઈએ લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાાનવાપી મસ્જિદને લગતા સમગ્ર પરિસરના ભારતીય પુરાતત્વીય વિભાગ દ્વારા કરાયેલા સર્વેનો મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. ૯મી જુલાઈએ બંને પક્ષકારો દ્વારા થયેલી સમજૂતી પર શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના વડા સુનીલ કુમાર વર્મા અને યુપીના ગવર્નર વતી અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદના અબ્દુલ બાતિન નોમાનીએ હસ્તાક્ષર કર્યાં હતાં.