કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોની ધોંસથી આતંકીઓનો દાયરો સંકોચાયો, 44 પ્રવાસન સ્થળ ખુલ્યા

Wednesday 29th April 2026 06:16 EDT
 
 

શ્રીનગરઃ સમગ્ર દેશને હચમચાવી નાંખનારા પહલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી 22 એપ્રિલે કાશ્મીર ખીણની તસવીર બદલાયેલી જોવા મળતી હતી. કડક દેખરેખ અને ગયા વર્ષે 3500થી વધુ દરોડાને કારણે નિયંત્રણ રેખા નજીકના જંગલો સુધી આતંકવાદી પ્રવૃત્તિ મર્યાદિત થઈ ગઈ છે.
બીજી તરફ સુરક્ષા કારણોસર બંધ કરાયેલા 44 પ્રવાસન સ્થળોમાંથી મોટાભાગના ફરી ખુલી ગયા છે. જોકે, હુમલા પછી પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડયો છે. પ્રવાસીઓની સંખ્યા 33 લાખથી ઘટીને 11.60 લાખ થઈ ગઈ છે. બૈસરન ખીણ હજુ પણ બંધ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીં જવા માટે રૂ. 6.30 કરોડના રોડ પ્રોજેક્ટ પર મે મહિનાથી કામ શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે પહલગામ હુમલાનો ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે આ ભયાવહ હુમલામાં જીવ ગુમાવનારાઓ ક્યારેય ભૂલાશે નહીં. તેમણે આ દુ:ખની ઘડીમાં તેમના પરિવારો સાથે ઊભા રહેવાની રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાને પુનરોચ્ચાર કર્યો હતો કે દેશ ક્યારેય કોઈપણ રીતે આતંકવાદ સામે ઝૂકશે નહીં અને આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્યારેય સફળ થશે નહીં.
આતંકી પ્રવૃત્તિની પેટર્ન બદલાઇ
સુરક્ષા એજન્સીઓના અનુસાર છેલ્લા એક વર્ષમાં આતંકવાદી પ્રવૃત્તિની પેટર્ન બદલાઈ છે. સતત કાર્યવાહીને કારણે આતંકવાદીઓ હવે શહેરી વિસ્તારો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આતંકવાદી ઘટનાઓમાં 92નાં મોત થયા છે. જેમાં 47 આતંકવાદી, 17 સુરક્ષા કર્મચારી અને 28 નાગરિકનો સમાવેશ થાય છે. આથી વિપરીત, હુમલાના અગાઉના વર્ષમાં 127 લોકોનાં મોત થયા હતા, જેમાં 80 આતંકવાદીઓનો સમાવેશ થાય છે. કલમ-370ની 2019માં નાબૂદી થયા પછી સૌથી વધુ મૃત્યુ 2020માં થયા હતા - તે વર્ષે 232 આતંકી, 56 સુરક્ષા કર્મચારી અને 33 નાગરિકનાં મોત થયા હતા.
તો નિર્ણાયક જવાબ મળશેઃ સેના
26 નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર પહલગામ આતંકી હુમલાની પહેલી વરસીની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને યાદ કરીને આતંકવાદીઓને સખત ચેતવણી આપી છે કે માનવતાની હદ પાર કરશો તો નિર્ણાયક જવાબ મળશે, અને ભારત ક્યારેય ભૂલતું નથી. સેનાએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે જ્યારે માનવતાની હદ પાર થાય છે ત્યારે ન્યાય સુનિશ્ચત કરવામાં આવે છે અને આખો દેશ એકજૂથ થઈને ઊભો રહે છે. ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલાની એક ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ પીડિતોને તેમનો ધર્મ પૂછીને તેમને મારી નાખ્યા હતા, જેણે આખી ઘટનાને વધારે અમાનવીય બનાવી દીધી. ભારતે આ હુમલાનો જવાબ સૈન્ય પગલાંથી આપ્યો હતો. 7 મે 2025એ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી દીધાં. આ કાર્યવાહીમાં 100થી વધારે આતંકવાદીઓને મારી નંખાયા હતા.
આતંકી હુમલાના સ્થળે શ્રદ્ધાંજલિ સ્મારક
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં શ્રદ્ધાંજલિ સ્થળ સ્થાપિત કરાયું છે, જે 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન ખાતેના આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિને સમર્પિત છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને આ સ્થળને આદર અને સ્મૃતિનું પ્રતીક બનાવ્યું છે, જ્યાં લોકો આવે છે અને પહલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter