શ્રીનગરઃ હિઝબુલના કમાન્ડર આતંકી બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવ્યા પછી કાશ્મીર ખીણમાં આઠમી જુલાઈની રાતથી ભડકી ઊઠેલી હિંસા નવમી અને દસમી જુલાઈએ પણ ચાલુ રહી હતી. કાશ્મીરનાં કેટલાક શહેરનાં લોકો વાનીની હત્યાના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. રાજ્ય પોલીસ અને સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવીને તેમના પર ભારે પથ્થરમારો કરાયો હતો. સુરક્ષાદળો અને તોફાનીઓ વચ્ચેનાં ઘર્ષણમાં ૨૩ના મોત થયાં હતાં જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘવાયાં હતાં. જેમાં ૯૬ જેટલા સુરક્ષાદળના જવાનો અને ૧૩૦થી વધુ નાગરિકો છે. રવિવારે હિંસક ટોળાએ બે પોલીસ સાથેનું વાહન ધક્કો મારીને જેલમ નદીમાં ધકેલી દેતાં એક પોલીસનું મોત થયું હતું. બીજી એક ઘટનામાં આતંકીઓએ એક પોલીસજવાનને બંને પગે ગોળી મારતાં તેનું મોત થયું હતું. સત્તાવાળાઓ દ્વારા ભાગલાવાદી નેતાઓને તેમના ઘરમાં નજરકેદ કરાયા હતાં.
• અમરનાથ યાત્રાને અસરઃ હિંસક વાતાવરણને કારણે નવમીએ સ્થગિત કરાયેલી અમનાથયાત્રા રવિવારે ફરી ચાલુ કરાઈ હતી. નવમીએ પહેલગાંવ, બાલતાલ, જમ્મુ સહિત અનેક સ્થળે ૫,૦૦૦થી વધુ અમરનાથયાત્રીઓ ફસાયા હતા. આમાંના અનુક સ્થળઓએ પથ્થરમારો તેમજ હુમલાના બનાવો બન્યાં હતાં. મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવાના કિસ્સા પણ બહાર આવ્યા હતા. જમ્મુ શ્રીનગર હાઇવે પર અનેક બસ અને કાર પર પથ્થરમારો થયો હતો. આ ઘટનાઓમાં કેટલાક યાત્રાળુઓને ઈજા થઈ હતી. બીજી તરફ કાશ્મીરી પંડિતોને સુરક્ષામાં વધારો કરાયો હતો.
• ૧૦ જિલ્લામાં કર્ફ્યુઃ જમ્મુ-કાશ્મીરમાં ફાટી નીકળેલા તોફાનોની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહ પ્રધાન રાજનાથસિંહે નવમીએ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી અને તોફાનોને કાબૂમાં લેવા જરૂરી આદેશો આપ્યા હતા. તકેદારીનાં પગલાંરૂપે પુલવામા, અનંતનાગ, શ્રીનગર સહિત ૧૦ જિલ્લામાં કર્ફ્યુ લદાયો હતો. કાશ્મીરી પંડિતોને રક્ષણ આપવા કેન્દ્રે મહત્ત્વનાં પગલાં લીધાં હતાં. રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ હતી.
• અલગતાવાદી નેતાઓને નજરકેદ કરાયાઃ પુલવામા, અનંતનાગ અને કુલગામમાં સ્થિતિ વધારે ગંભીર હતી. ૧૦ જિલ્લામાં જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. તોફાની ટોળાએ ત્રણ પોલીસસ્ટેશનો, ત્રણ સરકારી ઓફિસો, પીડીપી ધાસભ્યનું મકાન તેમજ અનેક વાહનોને આગ ચાંપી હતી. બંધનાં પગલે બજારો, ઓફિસો અને શાળાઓ બંધ રહ્યાં હતાં. કેટલીક મહત્ત્વની પરીક્ષા રદ કરી હતી.
• ‘વાની ક્રાંતિકારી’ જેએનયુ યુનિવર્સિટીના દેશદ્રોહી આરોપી ઉમર ખાલિદે બુરહાન વાનીને ક્રાંતિકારી ગણાવ્યો હતો અને તેની તુલના આર્જેન્ટિનાના માર્ક્સવાદી ક્રાંતિકારી ચે ગ્વેરા સાથે કરી હતી. ખાલિદે કહ્યું કે વાની આઝાદ જીવ્યો અને આઝાદ મર્યો છે. ઉમરે કાશ્મીરની મુક્તિની માગણી કરી હતી. ખાલિદે એક ટ્વિટમાં લોકોનાં મોત, બળાત્કાર, ટોર્ચર વગેરેની ઉજાણી કરવાની તરફેણ કરી હતી.
• મારો પુત્ર ૬ વર્ષ જીવ્યોઃ બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાનીએ કહ્યું કે આતંકીઓની ઉંમર ૭ વર્ષની હોય છે મારો પુત્ર ૬ વર્ષ જીવ્યો. તેઓ જાણતા હતા કે તેના પુત્રનાં મોતના સમાચાર ગમે ત્યારે આવી શકે છે.
• પાક.એ કાશ્મીરમાં જનમતની માગ કરીઃ પાકિસ્તાને કાશ્મીર મામલે દખલગીરી કરી છે. વાનીનાં એન્કાઉન્ટર પછી કાશ્મીરમાં હિંસાની નિંદા કરી છે અને ફરી જનમત લેવાની માગણી કરી છે. વાની અને કાશ્મીરીઓની હત્યા દુઃખદ હોવાનું પાક.ના વિદેશવિભાગે કહ્યું હતું.
• શરીફે બળતામાં ઘી હોમ્યુંઃ કાશ્મીર સળગી રહ્યું છે ત્યારે લંડનથી પરત ફરેલા પાક, પ્રમુખ નવાઝ શરીફે જણાવ્યું કે, કાશ્મીરી નેતા બુરહાન વાનીના મોતથી પાકિસ્તાનને આઘાત લાગ્યો છે. ભારતીય જવાનો વાની અને અન્ય નિર્દોષ નાગરિકોની હત્યા કરે છે જે અમારા માટે આઘાતજનક છે. જે લોકો વાનીના મોતનો વિરોધ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ પણ ગેરકાયદે રીતે મોટાપાટે સુરક્ષા જવાનો દ્વારા બળપ્રયોગ થાય છે. કાશ્મીરમાં નિર્દોષના મોત પર ચૂપકી સાધવા બદલ પાકિસ્તાનમાં ટીકાનો ભોગ બનેલા નવાઝ શરીફે રવિવારે મોડી રાત્રે આવો વાણીવિલાસ કર્યો હતો.