શ્રીનગરઃ કાશ્મીરમાં હિમસ્ખલનની વધુ બે મોટી ઘટના સામે આવી છે. જેમાં સૈન્યના મેજર સહિત છ લોકોના બરફની શિલાઓમાં દટાઇ જવાથી મોત નિપજ્યાં છે. પહેલી ઘટના કાશ્મીરના સોનમર્ગમાં આવેલા સૈન્ય કેમ્પમાં બની હતી. સૈન્યના આ કેમ્પ પર એક મોટી હિમશીલા ખાબકી હતી. કેમ્પમાં સૈન્યના મેજર અમિત સાગર પણ હતા, જેઓનું દટાઇ જવાથી મોત નિપજ્યું છે. દરમિયાન સૈન્યના જવાનો દ્વારા મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં એક જવાનનું દટાઇ જવાથી બાદમાં મોત નિપજ્યું હતું.
આવી જ બીજી એક મોટી ઘટના ઉત્તર કાશ્મીરના બંદીપોરા જિલ્લામાં આવેલા એલઓસીના ગુરેઝ સેક્ટરમાં બની હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકો જીવતા દટાઇ જવાથી કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. ગુરેઝ સેક્ટરમાં જે ઘટના બની હતી તેમાં એક આખું મકાન જ હિમશિલામાં દટાઇ ગયું હતું. તેમાં ૫૫ વર્ષીય હબીબુલ્લા, તેના પત્ની અને પુત્ર તેમજ પુત્રીના દટાઇ ગયા હતા અને તેમનાં મૃત્યુ થયાં હતાં. આ પરિવારના એક પુત્રને બચાવી લેવાયો હતો. આમ એક જ દિવસમાં કાશ્મીરમાં હિમસ્ખલનની બે મોટી ઘટનાઓ બનતાં સૈન્યના મેજર, એક જવાન અને એક જ પરિવારના ચાર નાગરિકો એમ મળીને કુલ છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.