કાશ્મીરથી કન્યાકુમારી સુધી બુકિંગ વધ્યું, ગ્લોબલ નહીં, લોકલ પ્રવાસ પહેલી પસંદ

Saturday 06th June 2026 06:02 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિનજરૂરી વિદેશ યાત્રાઓથી બચવાની અપીલની અસર દેશના ટ્રાવેલ સેક્ટરમાં જોવા મળી છે. કાશ્મીર, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કેરળ અને ઉત્તર બંગાળ જેવા સ્થાનિક પ્રવાસન સ્થળોની માગ ઝડપથી વધી છે. જ્યારે વિદેશી યાત્રાઓ સંબંધિત પૂછપરછમાં ઘટાડો નોંધાયો છે.
મનાલી, ગોવા, તિરુપતિ અને ઉજ્જૈન જેવા અગ્રણી પ્રવાસન અને તીર્થયાત્રા માર્ગો પર બુકિંગમાં લગભગ 30-35 ટકા વધારો નોંધાયો છે. ‘સ્માર્ટર સમર રિપોર્ટ' અનુસાર, 90 ટકા પ્રવાસી ઈચ્છે છે કે રજાઓ પર કરાયેલા ખર્ચ નાના વ્યવસાયો અને સ્થાનિક અર્થતંત્રને ટેકો આપે.
ક્લિયરટ્રિપ, મેકમાયટ્રિપ અને ઈઝમાયટ્રિપ જેવા ટ્રાવેલ પ્લેટફોર્મ્સના જણાવ્યા અનુસાર, આ ઉનાળામાં ભારતીય પરિવારો હવે ટૂંકા ગાળાની સ્થાનિક રજાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઈન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના પ્રમુખ રવિ ગોસાઈને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે આ સિઝનમાં આંતરરાષ્ટ્રીય પૂછપરછ અને બુકિંગમાં 10થી 15 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.
લક્ષદ્વીપમાં પ્રવાસી વધ્યા
પર્યટન મંત્રાલયના ડેટા અનુસાર, 2020માં લક્ષદ્વીપમાં 3,875 પ્રવાસી પહોંચ્યા હતા. 2024માં આ સંખ્યા રેકોર્ડ 68,328 સુધી પહોંચી ગઈ. 2023થી 2024ની વચ્ચે પ્રવાસીની સંખ્યામાં 47 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2024માં વડાપ્રધાનની મુલાકાત બાદ આ ઉછાળાને ગતિ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter