શ્રીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ટનલના ઉદઘાટન વખતે આપેલા ટુરીઝ અને ટેરેરિઝમ નિવેદન અંગે વળતો જવાબ આપતાં કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, કાશ્મીરનો યુવક ટેરેરિઝમ કે ટુરિઝમ કોઇ માટે પથ્થર નથી ઉઠાવી રહ્યો. એ ખરેખર પોતાની લડાઇ માટે આ રસ્તો અપનાવી રહ્યો છે. નેશનલ કોન્ફરન્સ (એનસી)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીરમાં પથ્થરમારી કરનારા યુવકોને સમર્થન આપ્યું હતું. ફારૂકે કહ્યું કે, કાશ્મીરના યુવકો દેશ માટે અને કાશ્મીર મુદ્દે લડત ચલાવી રહ્યા છે એટલા માટે પથ્થર ઉઠાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાનના આ નિવેદનની સત્તાપક્ષ પીડીપી અને ભાજપ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી. પીડીપીએ કહ્યું કે, આ નિવેદન રાજનૈતિક છે. જ્યારે ભાજપે તેને ચિંતાજનક ગણાવ્યું હતું.
ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન ત્યારે આવી રહ્યું છે જ્યારે કાશ્મીરમાં ખાલી પડેલી લોકસભાની બે બેઠકો પરની ચૂંટણીનો માહોલ છે. સાતમી એપ્રિલે શ્રીનગરની એક બેઠક પર મતદાનના પહેલાં આ નિવેદન તેમણે આપ્યું છે. આ બેઠક પરથી ફારુક અબ્દુલ્લા તેમના પક્ષ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે.